ભાવનગર: 2025ની સિંહોની વસ્તી ગણતરીમાં એક સાથે બાળ સિંહ, માદા અને સિંહ નર સાથે 20 સિંહોનો પરિવાર સામે આવ્યા બાદ ભાવનગર જિલ્લો સિંહોનું નવું ઘર માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં રાત્રીના સમયે આ સિંહ પરિવાર લટાર મારતા હોય તેવો વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે વન વિભાગ 20 સિંહોના પરિવારને પગલે કેટલું સતર્ક છે ચાલો જાણીએ.
ભાવનગર જિલ્લો હવે સિંહ પરિવારના વસવાટનું સ્થળ બની ગયો છે, ત્યારે પાલીતાણા પંથકમાં 20 સિંહનો પરિવાર સામે આવ્યો છે તેને લઈને વન વિભાગ પણ સતર્ક છે. હાલમાં તાજેતરમાં રાત્રી દરમિયાન સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વીડિયોને લઈને RFO દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા સતર્ક રાખવામાં આવી રહી છે.
પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવાર: ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજી ડેમ અને તેની આસપાસનો વિસ્તાર સિંહો માટે વસવાટનો ઉત્તમ સ્થળ બની ગયો છે. શેત્રુંજી ડેમ આસપાસ સિંહનો પરિવાર વસવાટ કરે છે. તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીમાં 20 સિંહનું એક ગ્રુપ સામે આવ્યું છે. આ સિંહનું ગ્રુપ સાથે રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારીને મારણ શોધે છે. તાજેતરમાં રાત્રી દરમિયાન 20 સિંહોનું ગ્રુપ લટારમાં હોય અને મારણ કરવાની શોધમાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક સાથે પરિવાર સીમાડાનો રસ્તો ઓળંગી રહ્યો છે.

વન વિભાગ દ્વારા વીડિયોને લઈને પુષ્ટિ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રાત્રિના સિંહોના પરિવારના વિડીયોને પગલે પાલીતાણાના RFO બી.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, 'જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ દોઢ મહિના પહેલાનો છે. 20 સિંહનો પરિવાર પાલીતાણા શેત્રુંજીના આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે.' આમ, આ વિડીયો ફેક નથી પરંતુ જૂનો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વન વિભાગ દ્વારા સિંહ પરિવારની કાળજી: ગીર બાદ ભાવનગર જિલ્લો સિંહોનું ઘર બની ગયો છે ત્યારે પાલીતાણાના સાંજણાસર નાનીમાળ વગેરે જેવા આસપાસના ગામડાના સીમાડાઓમાં સિંહોનું પરિવાર વસવાટ કરી રહ્યા છે

વન વિભાગના અધિકારી બી.એમ. ચાવડાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 20 સિંહોના પરિવારની વસ્તી ગણતરી કરી ત્યારે હકીકત સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા સિંહો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા રોજ તેમનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ સિંહો કયા વિસ્તારમાં છે ? ક્યાં જઈ રહ્યા છે ? તેમજ મોનિટરિંગ દરમિયાન દરેક સિંહ ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે. આમ સિંહોનું સંરક્ષણ વન વિભાગ દ્વારા રોજેરોજ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: