બનાસકાંઠા: ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આજે બનાસકાંઠાના સરહદી વિસ્તારના એવા યોદ્ધાની વાત કરવી છે જે યોદ્ધાએ ભારત પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971 માં થયેલા યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી હતી. એટલું જ નહીં તેમની વિશેષ કોઠાસૂઝથી પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને આખરે પાકિસ્તાન ભારતીય સેનાના ઘૂંટણિયે પડ્યું હતી. જાણવા જેવી બાબત એ છે કે, પાકિસ્તાને આ યોદ્ધાને પકડવા 50 હજારનું ઇનામ જાહેર કર્યું છતાં પાકિસ્તાનના હાથ ન લાગનાર આ યોદ્ધા આજે આપણા દેશનું ગૌરવ છે. કોણ છે આ વીર યોદ્ધા ? કેવી રીતે તેને ભારતીય સેનાની મદદ કરી ? જાણો અમારા આ ખાસ અહેવાલમાં.
બનાસકાંઠા સરહદી વિસ્તારના સુઈગામ તાલુકામાં આવેલા લીંબાળાં ગામમાં જન્મેલા આ યોદ્ધાનું નામ છે રણછોડ પગી... જેનું નામ સાંભળતા જ તે સમયે પાકિસ્તાન થરથર ધ્રુજતું...પાકિસ્તાનની સેનામાં પણ આ યોદ્ધાનું નામ ખૂબ ચર્ચામાં રહેતું, કારણ કે જ્યાં રણછોડ પગી હોય ત્યાં વિજય નક્કી હોય. રણછોડ પગીમાં એવી કોઠાસૂઝ હતી કે માત્ર લોકોના જ નહીં પશુઓના પગ પારખી તેની ઝીણવટભરી માહિતી આપી દેતા હતા. ગામમાં કે આસપાસના ગામોમાં કોઈ ચોરી થતી કે પાકિસ્તાન તરફથી કોઈ પણ હલચલ થતી તો તેઓ તેના પગ પારખી તેને પકડી પાડતા હતા, અને આ જ કારણે 1965 અને 1971 ના યુદ્ધમાં આર્મીએ તેમને સેનામાં સાથે રાખી મદદ મેળવી હતી.
રણના ભોમિયા રણછોડ પગી પાકિસ્તાન જવાના દરેક ગુપ્ત રસ્તા જાણતા હતા. તેઓ યુદ્ધ સમયે ભારતીય સેનાને ગુપ્ત રસ્તાઓથી પાકિસ્તાનના અંદર સુધી લઈ ગયા હતા, એટલું જ નહીં જ્યારે પાકિસ્તાન સામે લડતા લડતા ભારતીય સેનાનો દારૂગોળો ખતમ થઈ ગયો ત્યારે તેઓ પાકિસ્તાનથી ભારત આવીને અહીંયાથી દારૂગોળો ભારતીય સેના સુધી પહોંચાડી પાકિસ્તાન સામે ભારતને વિજય અપાવ્યો હતો. વીર યોદ્ધા રણછોડ પગીએ 1971ના યુદ્ધમાં સેના સાથે રહીને 400થી વધુ સૈનિકોને ઠાર માર્યા હતા. પાકિસ્તાન સેનામાં ડર ઉભો કરનારા અને 1971ના યુદ્ધમાં ભારતને વિજય અપાવનાર આ યોદ્ધાને પાકિસ્તાને પકડવા માટે 50,000નું ઇનામ પણ રાખ્યું હતું.
પોતાના પિતા રણછોડ પગી સાથે નિભાવેલી ફરજ આજેય તેમના 65 વર્ષીય પુત્ર મહાદેવભાઈ રબારી યાદ કરે છે. મહાદેવ રબારીએ પણ પોલીસમાં રહી સરહદ પર 30 વર્ષ સેવા આપી છે અને આ ઢળતી ઉંમરે પણ દેશ સેવાનો એટલો જ જ્જબો એમનામાં જોવા મળી રહ્યો છે. આ પરિવારે દેશ સેવામાં પોતાનો વારસો જાળવી રાખ્યો છે અને પૌત્ર પણ માવસરી પોલીસ મથકમાં પગી તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે. ભારતીય સેના સાથે રહીને દેશની સેવા કરનાર આ વીર યોદ્ધાની આજેય ગામમાં પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમાની ગામના લોકો અને પરિવારના લોકો ગૌરવ પૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે પૂજા કરે છે, કારણ કે રણછોડ પગી એ માત્ર સમાજનું જ નહીં પરંતુ આખા ભારતીય જવાનો માટે ગૌરવ સમાન છે.
લીંબાળા ગામના લોકો અને યુવાનો આજેય યોદ્ધા રણછોડ પગીને પ્રેરણારૂપ માને છે. રણછોડ પગીના યુદ્ધ સમયના એ કિસ્સાઓ ગામના લોકોનો યાદ છે જેની વાત કરતા તેમની છાતી ગદગદ ફૂલે છે. તેઓ રણછોડ પગીને સમાજ ગામ અને જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવ અપાવનારા સાચા દેશ સેવક માને છે. આજ કારણે ગામના લોકો આજેય દેશની સેવા માટે હંમેશા તૈયાર જોવા મળે છે.
આજે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે હાલમાં ટેકનોલોજી અને વિશેષે સંસાધનો ભારતીય સેના પાસે છે, પરંતુ 1965 અને 1971ના યુદ્ધ સમયે ન તો ટેકનોલોજી હતી કે ન તો કોઈ એવા વિશેષ સંસાધન ભારતીય સેના પાસે હતા. તેમ છતાં ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર અને ભારતીય સેનાને ભરપૂર મદદ કરનાર રણના ભોમિયા રણછોડ પગીએ કરેલી મદદ દેશની સેવાના ઇતિહાસના પાનાઓ ઉપર હંમેશા લખાઈ ગઈ છે જે ક્યારેય ભૂસી નહીં શકાય.
આ પણ વાંચો: