કચ્છ: હિન્દુ શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાનો અનેરો મહિમા રહેલો છે. ઘરમાં રહેલા સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે, કીડી તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે કીડીઓ ખાઈ શકે તે માટે કીડીયારુ બનાવવાની કામગીરી માધાપરના સેવાભાવી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ ધાનને કરકરો પીસીને લોકો કીડિયારું પૂરતા હોય છે પરંતુ આ મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરી અનોખી રીતે કીડિયારું પૂરવામાં આવે છે.
કીડી પાર્ટી! નાળિયેર સ્ટાઈલ: ચૈત્ર માસમાં કીડીઓને ખોરાક આપવાથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. આ મહિનો કીડીયારું પૂરવાનું અને કીડીઓ માટે ખોરાક ભેગો કરવાનો છે. આ સમયગાળા દરમિયાન ઝાડ પાસે પોચી માટીમાં કીડીયારું પૂરવું એ એક પુણ્યનું કાર્ય છે.ત્યારે માધાપર ગામની મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરીને કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે.
નાળિયેરમાં 7 ધાનનો ઉપયોગ: આ કીડીયારામાં 7 ધાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, અડદ,તલ અને ઘી તેમજ સાકરનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત તેમાં સાકર અને ઘી પણ ઉમેરવામાં આવી રહ્યું છે.આ બધાનું મિશ્રણ કરીને છોલેલા નાળિયેરની અંદર કાણા કરીને મિશ્રણ મૂકીને તેના પર ગોળ ચોળવામાં આવે છે .ત્યારબાદ જુદી જુદી જગ્યાએ આ કીડિયારું ભરેલું નાળિયેર મૂકવામાં આવે છે. કીડીઓની સાથે સાથે ગાય અને કૂતરાઓ માટે પણ બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.


દર 15-20 દિવસે પશુ, પક્ષીઓ-જીવજંતુઓ માટે કાર્ય: નારી શક્તિ મહિલા મંડળના તુષારીબેન વેકરિયાના પ્રેરણાથી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.હાલમાં મહિલાઓ દ્વારા 105 નાળિયેર તૈયાર કરવામાં આવ્યા છે આ અગાઉ 251 જેટલા નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. દર 15 - 20 દિવસે પશુ પક્ષીઓ તેમજ જીવજંતુઓ માટે આ પ્રકારના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે.


ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા: છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનો પણ અનેરો મહત્વ રહેલું છે.આ સિવાય કૂતરાઓને શીરો, રોટલો તેમજ ખીચડી મળી રહે તેના માટે પણ મહિલાઓ પ્રયત્નશીલ રહે છે.આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓ પોતાની યથા શક્તિ મુજબ આર્થિક સહયોગ પણ આપી રહી છે.આમ 25 જેટલી મહિલાઓ દ્વારા કીડીઓ, ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરીને પુણ્યનું કામ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: