કચ્છ: હાલમાં સમગ્ર કચ્છમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તાપમાન પણ સતત 42 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે, તો કોઈક દિવસે તાપમાન 45 ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન દિવસભર ગરમ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને લુ પણ લાગી રહી છે તો સાથે સાથે જનજીવન પર પણ અસર થઈ રહી છે. ત્યારે કચ્છના આરોગ્યતંત્રએ હિટસ્ટ્રોકને લઈને કેવી તૈયારી કરી છે તે અંગે આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે.
હિટવેવને જોતાં આરોગ્ય તંત્રની તૈયારી: ઉનાળાની ઋતુ દરમિયાન હિટવેવની સંભાવનાઓને જોતાં હિટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે તો આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પ્લાનિંગના ભાગરૂપે તમામ આરોગ્ય કર્મચારીઓને ગ્રામ્ય સ્તરે પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે. સાથે સાથે હિટવેવના કારણે લોકોના શરીર પર થતી અસરોને કારણે જે લક્ષણો જોવા મળે છે તેનાથી પણ વાકેફ કરવામાં આવ્યા છે.
આઉટડોર એક્ટિવિટી ન કરવા સૂચના: ખાસ કરીને જ્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ અને યેલો એલર્ટ જારી કરવામાં આવતું હોય છે ત્યારે બપોરના સમયે આરોગ્ય કર્મચારીઓએ કોઈ પણ જાતની આઉટડોર એક્ટિવિટી ન કરવી અને સગર્ભા સ્ત્રીઓની મોબિલાઈઝેશન પ્રવૃત્તિ ન કરવી, તેમજ બને ત્યાં સુધી ગરમીના તાપમાં કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ ટાળવી જોઈએ. આરોગ્યના કર્મચારીઓને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે અને તેમને પણ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા તેમજ હાઈડ્રેશન જાળવવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ORS પીવાનું રાખવું અને ખાસ કરીને મનરેગા યોજન હેઠળ કામ કરતા મજૂરો છે તેવા સ્થળોએ ફિલ્ડની ટીમને મુલાકાત લેવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે.
હિટસ્ટ્રોક કેસમાં બેડ તૈયાર રાખવા સૂચના: આ ઉપરાંત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલો , જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે ત્યાં હિટસ્ટ્રોકના કેસમાં બેડ તૈયાર રાખવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ લુ લાગવાના કારણે તેમજ ડિહાઇડ્રેશનના કારણે જો કોઈ કેસો હોસ્પિટલમાં આવે તો તેને કઈ રીતે તાત્કાલિક સારવાર કરવી અને તેના શરીરના તાપમાનને કંઇ રીતે સામાન્ય કરવું તે માટેની તકેદારી તેમજ સારવાર આપવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે.
શરીરનું તાપમાન જાળવવા 95 કોલ્ડ ચેન પોઇન્ટ: જિલ્લામાં 95 જેટલા કોલ્ડ ચેન પોઇન્ટ છે જ્યાં ફ્રોજન આઇસ પેક તૈયાર કરવામાં આવ્યા છે જેથી ગરમીના પ્રકોપના કારણે શરીરનું તાપમાન પણ ગરમ થઈ જતું હોય છે ત્યારે સારવાર દરમિયાન દર્દીઓના શરીરને તાત્કાલિક કુલ ડાઉન કરી શકાય. આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પણ હિટવેવથી બચવા માટે તકેદારીના પગલાની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે તેનું પાલન પણ નાગરિકોએ કરવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.
હિટવેવથી બચવા માર્ગદર્શિકા: હિટવેવથી બચવા લોકોએ શુદ્ધ પાણી પીવું, ઓ.આર.એસ. લેવું, લચ્છી, ઘરે બનાવેલી છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો જોઈએ. તો ગરમીના ભારે તાપ વચ્ચે હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી શક્ય બને તો ઘરની અંદર રહેવું જોઈએ, તો તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અને ટોપીનો ઉપયોગ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન વૃધ્ધો, બાળકો, બિમાર અથવા વધુ વજનવાળા લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ.
આ પણ વાંચો: