કચ્છ : હાલમાં જ કચ્છમાં એક પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જે અનુસાર ભુજના નારણપુરમાં પ્લેન ક્રેશ થયો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેની જાણ માનકુવા પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા આ બનાવ અફવા હોવાનું સામે આવ્યું હતું.
કચ્છમાં પ્લેન ક્રેશના સમાચાર : માનકુવા પોલીસ સ્ટેશનના PI શક્તિસિંહ રાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ થયું હોવાનું ફોટો વાયરલ થયો હતો. ફોટોમાં એવું લખેલું હતું કે નારણપર ગામની સીમમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયેલું છે. જે આધારે નારણપર ગામે જઈ તપાસ કરતા તથા આજુબાજુના લોકોને અને ગામના આગેવાનોને પૂછતા આવો કોઈ બનાવ બન્યો ન હોવાની હકીકત જાણવા મળી હતી.
અફવા કે અકસ્માત ? સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થયેલો તે ફોટોને ગુગલ તેમજ અન્ય ટેકનિકલ સોર્સના આધારે વધુ તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલ કે, આ જે ફોટો છે એ ફેબ્રુઆરી માસ 2022 નો છે. આ ફોટો સાઉથ સુડાનના જોંગલેઇ શહેરનો હોવાનું સામે આવ્યું છે. આ જે ફોટો વાયરલ થયેલ તે બાબતે તપાસ કરતા આવી કોઈ ઘટના નારાણપર ગામે કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં બનેલું ધ્યાને આવેલ નથી.
અફવાથી દૂર રહેવા અપીલ... પોલીસના જણાવ્યા અનુસાર કોઈએ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી હોવાનું જણાઈ આવે છે. કચ્છ પોલીસે લોકોને વિનંતી કરી છે કે આવી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું અને અફવાની ખરાઈ કર્યા બાદ કોઈ પણ મેસેજ વાયરલ કરવો.