કચ્છ : બાળકોની પરીક્ષા પૂર્ણ થતા અને ઉનાળુ વેકેશન શરૂ થતાંની સાથે જ લોકોએ જવાનું વિચારવાનું શરુ કરી દીધું છે. દેશના કે વિદેશના વિવિધ પ્રવાસન સ્થળોએ જવાનું પ્લાનિંગ અને તે મુજબ બુકિંગ કરાવતા હોય છે. કચ્છના લોકો આ વર્ષે સૌથી વધારે કાશ્મીર અને હિમાચલ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જ્યારે દેશ બહાર બાલી અને દુબઈ જવાનું પણ પસંદ કરી રહ્યા છે.
વેકેશનમાં કચ્છનું પ્રવાસન : હાલમાં કચ્છમાં આકરો તાપ અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી નોંધાયું છે. લોકો ગરમીથી બચવા સમર વેકેશનનો પ્લાન કરી રહ્યા છે. જોકે દર વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન કચ્છમાં પણ પ્રવાસીઓનો ધસારો હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઉનાળા વેકેશન દરમિયાન કચ્છમાં ભારે ગરમી છે. ત્યારે પ્રવાસીઓ આ વર્ષે આ સમયગાળા દરમિયાન કેટલા પ્રમાણમાં આવે છે તે જોવાનું રહેશે.
કચ્છીઓના પસંદીદા વેકેશન સ્પોટ : આ વર્ષે કચ્છના લોકો કચ્છ બહાર જુદાં જુદાં પર્યટન સ્થળોએ વેકેશનની મજા માણવા માટે માટે બુકિંગ કરાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ બુકિંગ કાશ્મીર, હિમાચલ, ઉતરાખંડ ,ગોવા, કુલુ મનાલી અને સિક્કિમ ફરવા જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે.
ઉનાળું વેકેશનના ટૂર પેકેજ : કચ્છના જુદા જુદા ટુર ઓપરેટરોને ત્યાં જુદાં જુદાં ટૂર પેકેજની બુકીંગ માટે ઇન્કવાયરી વધી રહી છે. લોકો રાજ્યમાં ફરવાની સાથે દેશમાં કે વિદેશમાં જવા માટે પણ જુદાં જુદાં પર્યટન સ્થળ પસંદ કરી રહ્યા છે, જે આધારે પેકેજ નક્કી કરે છે. આ વર્ષે લોકો કાશ્મીર અને હિમાચલ પ્રદેશ વધુ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. સાથે જ સિક્કિમ ફરવા માટે પણ પેકેજની ઇન્કવાયરી વધી છે. પરંતુ સિક્કિમ જવા માટેની ફ્લાઈટો મોંઘી થતા, તે મધ્યમ વર્ગના લોકો માટે આઉટ ઓફ બજેટ થઈ રહ્યું છે.
ગરમીમાં હિલ સ્ટેશનના બુકિંગ વધ્યા : ટૂર ઓપરેટર અંશુલ વછરાજાણીના જણાવ્યા મુજબ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધતા લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જેમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, શિમલા, મનાલી જેવા પર્યટક સ્થળો પર પેકેજ વધારે જોવા મળી રહ્યા છે.
વિદેશ યાત્રામાં આ હોટસ્પોટ : આ વર્ષે વિદેશની ટૂરમાં બાલી, દુબઈ, સિંગાપુર, બાકુ, અઝરબૈજાન અને મલેશિયાની ડિમાન્ડ વધી છે. જેમાં બાલી અને દુબઈના ટૂર પેકેજનું બુકિંગ વધારે છે. કારણ કે બાલી ફરવા જાઓ કે સિક્કિમ, બંનેના ટૂર પેકેજ સરખા જ થઈ રહ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઈટના ભાવ વધારે છે તેમજ ફ્રિકવન્સી ઓછી હોય છે, આથી લોકોને ફ્લાઇટની સમસ્યા વધારે પડતી હોય છે.
પરિવહન થશે મોંઘું અને અઘરું : હાલમાં મોટાભાગના બુકિંગ ફુલ થઈ ગયા છે. લોકોએ આ વર્ષે બે મહિના અગાઉથી જ વેકેશનનું પ્લાનિંગ અને બુકિંગ કરાવી રાખ્યું છે. જેમ જેમ વેકેશનનો સમય ખુલશે ત્યારે પેકેજો અને ટ્રાવેલિંગ પણ મોંઘું થતું જશે. જે લોકો અગાઉથી જ પ્લાનિંગ અને બુકિંગ કરાવી રહ્યા છે, તેમને ફાયદો થશે. આ ઉપરાંત જેમ જેમ વેકેશન શરૂ થશે તેમ તેમ નવી ફ્લાઇટ અને સમર ટ્રેનની જાહેરાત પણ થતી જશે.
વિદેશ જવાનું થયું સસ્તું : હાલમાં ટ્રાવેલિંગ થોડું મોંઘુ થઈ ગયું છે, જેમાં ફ્લાઇટ ટિકિટ પણ વિદેશ જેટલી જ છે. ધારો કે સિક્કિમ જવા માટે ફ્લાઇટનું ભાડું 30,000 થી 35,000 છે. તેની સામે બાલી જવાની ફ્લાઇટનું ભાડું પણ 35,000 થી 40,000 જેટલું છે. ત્યારે લોકો બાલી જવાનું પસંદ કરે છે. જેથી એક ફોરેન ટૂર પણ લોકોની થઈ શકે છે. બીજી બાજુ કાશ્મીર જવા માટેની ફ્લાઈટના ભાડા પણ વધી રહ્યા છે. તો બે મહિના અગાઉથી જ ટ્રેનો બુક થઈ ચૂકી છે.
ટૂર પેકેજના ભાવ અને બજેટ : ટૂર પેકેજની વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો 45 થી 50 હજાર રૂપિયા સુધીના ટૂર પેકેજમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે અપર ક્લાસના લોકોને કોઈ પણ પેકેજના બજેટનો વાંધો નથી આવી રહ્યો. તો સમર સ્પેશ્યલ ટુરમાં વ્યક્તિદીઠ 7,500 રૂપિયાથી 35,000-40,000 સુધીના પેકેજ લોકો પસંદ કરી રહ્યા છે. હાલમાં મિત્ર વર્તુળ સાથે ફરવા જવા માટે ગોવા પણ એક હોટ ફેવરિટ સ્થળ મનાઈ રહ્યું છે.
કચ્છના ફરવાલાયક સ્થળો :આમ તો દર વર્ષે ઉનાળાના વેકેશનમાં લોકો કચ્છમાં પણ આવે છે. જેમાં 2001માં આવેલા ગોજારા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં નિર્માણ પામેલ સ્મૃતિવન અર્થકવેક મ્યુઝીયમની લોકો વધારે મુલાકાત લેતા હોય છે. સાથે જ માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, ભુજના પ્રાગ મહેલ, આઇના મહલ તેમજ રોડ ટુ હેવન જવાનું લોકો પસંદ કરે છે. જોકે આ વખતે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે લોકો કચ્છમાં ઉનાળુ વેકેશન માણવા આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.