કચ્છ: કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની પ્રક્રિયાની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે, તેમજ UCC લાગુ કરવા અંગે સખ્ત વિરોધ હોવાનું જણાવીને આજે કચ્છ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમસ્ત કચ્છ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે તેઓ તેમનું ન્યાય અને સમાજની એકતા પ્રત્યેનું યોગદાન ઊંડા માન સાથે મુસ્લિમ સમાજ સ્વીકારે છે. કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના સંભવિત અમલીકરણ અંગે ગંભીર ચિંતાઓ અને સખત વિરોધ વ્યકત કરે છે.
ભારતનું બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે. અનુચ્છેદ 25, 26, 28 અને 29 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધારસ્તંભ છે. જેમાં લગ્ન, વારસો અને કૌટુંબિક બાબતોનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે અને સદીઓથી સમુદાયના સામાજિક બંધારણને મજબૂતી પૂરી પાડે છે.
UCC લાગુ કરવાની પ્રકિયાનો કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ વિરોધ કર્યો (Etv Bharat Gujarat) મુસ્લિમ સમાજનું માનવું છે કે..... યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ એકસમાનતા લાવવાનો હોવા છતાં, મુસ્લિમ સમાજને ચિંતા છે કે, તેનો એકસરખો અમલ તેમના ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓને નબળી પાડી શકે છે. ભારત જેવા બહુસંસ્કૃતિ દેશમાં, એકસમાન કાયદો લાગુ કરવાથી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખને હાનિ પહોંચી શકે છે. જેનાથી સામાજિક સંવાદિતા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. મુસ્લિમ સમાજનું માનવું છે કે વ્યકિતગત કાયદાઓનું સન્માન કરવું એ બંધારણીય ન્યાય અને ધર્મનિરપેક્ષતાનું પાલન છે.
UCC લાગુ કરવાની પ્રકિયાનો કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ વિરોધ કર્યો (Etv Bharat Gujarat) મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમ1) બંધારણની મર્યાદા : ભારતના બંધારણના અનુચ્છેદ 44 મુજબ સમાન નાગરિક સંહિતા (UCC)નો અમલ આખા ભારત દેશમાં થઇ શકે છે. પરંતુ તેનો અમલ માત્ર એક રાજય પૂરતો મર્યાદિત રહી શકે નહીં. આથી, ફક્ત ગુજરાત રાજયમાં UCC લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે.
2) ઐતિહાસિક આશ્વાસન : બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ડૉ. બી. આર. આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે UCC લાગુ કરવાનો કોઈપણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત રહેશે.
કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ કચ્છ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) 3) લો કમિશનનો અભિપ્રાય : 21માં લો કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વર્તમાન સમયે ભારતમાં UCC ની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય નથી. 22માં લો કમિશને પણ આ મુદ્દે લોકોના અભિપ્રાયો એકત્ર કર્યા પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી. આથી UCC ની જરૂરિયાત હજુ અસ્પષ્ટ છે.
4) અન્ય રાજયોનો અનુભવ : ઉત્તરાખંડમાં UCC ના અમલમાં આદિવાસી સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે. જે એકસમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે.
5) ગુજરાતમાં સર્વેનો અભાવ: ગુજરાતમાં UCC ની જરૂરિયાત અંગે કોઈ સર્વે કે જાહેર સંવાદ હાથ ધરવામાં આવ્યો નથી. આ પ્રક્રિયા લો કમિશનના અહેવાલની વિરુદ્ધ અને બંધારણની ભાવનાને અનુરૂપ નથી.
6) બંધારણીય હકોનું ઉલ્લંઘન: UCC નો અમલ અમારા ધાર્મિક અધિકારો, જે બંધારણના અનુચ્છેદ 25, 26, 28 અને 29 હેઠળ સુરક્ષિત છે, તેનું ઉલ્લંઘન કરે છે. આવો કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે છે.
7) રાજકીય દ્વેષ: ગુજરાત સરકારની UCC ની કવાયત ગેરબંધારણીય, દ્વેષપૂર્ણ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે.
જો UCC ની કવાયત રદ કરવામાં નહીં આવે તો લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજનમુસ્લિમ સમાજ સંકલન સમિતિની માંગ છે કે, ગુજરાતમાં UCCની કવાયતને તાત્કાલિક રદ્દ કરવામાં આવે. મુસ્લિમ સમાજ આ પ્રક્રિયાનો સખત વિરોધ કરે છે. વધુમાં, જો આ કવાયત ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન પણ કરશે. આ બાબતે મુસ્લિમ સમાજની ચિંતાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઇ UCCના અમલ પહેલા તમામ સમુદાયો સાથે વ્યાપક, પારદર્શી અને નિષ્પક્ષ સંવાદ હાથ ધરવામાં આવે. કોઇપણ નવો કાયદો બનાવતી વખતે દરેક સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાને ધ્યાનમાં લેવામાં આવે, જેથી ભારતની બહુવિધતા અકબંધ રહે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ
- દેશમાં લાગુ થશે UCC ? પીએમ મોદીએ આપ્યા સંકેત, કહ્યું- ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા બની અમલી
- વક્ફ સુધારા બિલ-UCCનો અમદાવાદમાં ઉગ્ર વિરોધ, AIMIMના રાજ્ય પ્રમુખ સહિત અનેક લોકો ડિટેઈન