ભુજ: કચ્છના ખાણ ખનિજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા ખનિજની ચોરી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ કામગીરી કરવામાં આવી હતી. ભુજ અને મુન્દ્રા તાલુકામાં થઈ રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃતિને અટકાવીને કુલ 1 કરોડના મુદ્દામાલને જપ્ત કરીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા બે સ્થળો પર કાર્યવાહી
કચ્છના પેટાળમાં અનેક પ્રકારના ખનિજો ધરબાયેલા છે, અને વખતોવખત રોયલ્ટી વિના ખનિજોનું ગેરકાયદે ખનન પણ થતું હોય છે, જેને પગલે ખાણ ખનીજ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ગેરકાયદે ખનન થતું અટકાવવામાં આવે છે, તો સાથે જ દંડ પણ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા બે સ્થળો પર થઈ રહેલ ગેરકાયદે ખનિજના ખનન અને પરિવહન સામે કાર્યવાહી કરવામાં આવી.

આશરે 70 લાખનો મુદ્દામાલ સીઝ
ફ્લાઈંગ સ્ક્વૉડની કચેરીમાંથી મળતી માહિતી મુજબ, કચ્છની મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વૉડ કચેરી દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનિજની ચોરી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ ખાનગી વાહનથી આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમ્યાન મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે નદી પટ્ટમાં તપાસ કરતાં એક્ષકેવેટર, ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી થતી સાદી રેતી ખનિજની ચોરી ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન સાદી રેતી ખનિજની ચોરીમાં સામેલ એક એક્ષકેવેટર, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર એમ કુલ મળી પાંચ વાહનો પકડી આશરે 70 લાખનો મુદ્દામાલ સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
2 દિવસમાં કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
બીજી બાજુ ફ્લાઈંગ સ્ક્વૉડને મળેલી બાતમીના આધારે ખાનગી વાહનથી ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તાર પર આવેલી કેનીયોન હોટલની પાછળ બિનઅધિકૃત રીતે સાદી માટીનું ખનન કરતા એક લોડર અને એક ડમ્પરને પકડી પાડી કુલ મળી 30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આમ છેલ્લાં 2 દિવસમાં કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ બંને કેસની કાયદેસરની વધુ તપાસ નિયમો અનુસાર હાથ ધરવામાં આવી છે.