કચ્છ: જિલ્લાની કેસર કેરી કે જેની કેરીના શોખીન લોકો મે મહિનો શરૂ થાય અને કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે આખરે કચ્છની કેસર કેરીની બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ભુજના બજારમાં કચ્છની કેસર કેરીની આવક ચાલુ થઈ ગઈ છે. તો જથ્થાબંધ બજારમાં પણ ગુણવતા મુજબ 70 થી 80 રૂપિયે કિલો અને છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલો કચ્છની કેસર કેરી વહેંચાઈ રહી છે.
કચ્છની કેસર કેરીની માંગ ગીરની કેરી, હાફૂસ અને બદામની સાપેક્ષે વધારે:
છેલ્લાં 10 દિવસોથી કચ્છની કેસર કેરી બજારમા આવી ચૂકી છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા અને હાલમાં આવેલા કમોસમી વરસાદ અને ભારે ભરખમ તાપના લીધે કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું હતું. તો પાકવાની આરે આવેલ પાક ગરમ પવન અને લૂના કારણે ખરી પડ્યો હતો, પરંતુ હાલમાં તો બજારમાં કેસર કેરીનો માલ પ્રમાણસર સારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ હજુ પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધી શકે છે. કચ્છની કેસર કેરી રસદાર અને મીઠી હોવાથી તેની માંગ ગીરની કેરી, હાફૂસ અને બદામની સાપેક્ષે વધારે પ્રમાણમાં રહેતી હોય છે.
ઝાકળ અને ગરમ પવનના કારણે આંશિક નુકસાન:
કચ્છમાં આ વર્ષે કેરીનો પાક સારા પ્રમાણમા ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ વાવાઝોડાના પગલે અનેક આંબાના ઝાડ ઉખડી ગયા હતા, જેથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ, વાતાવરણમાં વિષમતા અને ગરમ પવનના કારણે કેરીના પાકને આંશિક નુકસાની પહોંચી હતી. કચ્છની કેસર મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતના સમયમાં બજારમાં આવે છે.

જૂન મહિનાથી બે મહિના પહેલા આંબા ઉપર ફૂલ અને ફાલ જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં જ આકરી ગરમી સાથે ભેજવાળું વાતાવરણ હોવાથી કેરીના ઝાડ પરથી ફૂલ અને ફાલ ખરી પડયા હતા અને જે આંબાના એક ઝાડમાંથી 20થી 35 કિલો કેરી મળતી હતી તેમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

30થી 40 ટકા ઓછું ઉત્પાદન:
બાગાયત કચેરીના બાગાયત નાયબ નિયામક મનદીપ પરસાનીયાએ આપેલી માહિતી અનુસાર કચ્છમાં 11750 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં જીલ્લાના માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકામાં કેરીનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હોય છે. તો બાગાયત વિભાગના સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા લીધે કેરીના બગીચામાં 30થી 40 ટકા જેટલી આંશિક નુકસાની થઈ હતી જેથી આ વર્ષે માલ ઓછો આવ્યો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે 30 થી 35 ટકા ઉત્પાદન ઓછું થયું છે.

50,000થી 55000 મેટ્રિક ટન જેટલું અંદાજિત ઉત્પાદન:
દર વર્ષે કચ્છ જિલ્લામાં કેરીના વાવેતરમાંથી અંદાજિત 70,000થી 80,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે ત્યારે આ વર્ષે નુકસાનીના પગલે અંદાજિત 50000થી 55000 મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન બજારમાં જોવા મળશે.કચ્છની કેસર કેરી સ્વાદમાં રસદાર અને મીઠાથી ભરપૂર હોય છે જેથી તેની માંગ માર્કેટમાં પણ ખૂબ વધારે રહેતી હોય છે. તો સામાન્ય રીતે સૌરાષ્ટ્ર વિસ્તારની કેસર કેરીનો પાક પૂર્ણ થાય છે ત્યાર બાદ મે - જૂન મહિનામાં કચ્છી કેસર કરી બજારમાં આવે છે. કચ્છની કેસર કેરી અન્ય કેરી કરતા વધારે મીઠી હોય છે જેની પાછળ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને કચ્છની આબોહવા જવાબદાર છે.

છૂટક બજારમાં 80 રૂપિયાથી 100 રૂપિયે પ્રતિ કિલો ભાવ:
મે મહિનાના અંતથી જ કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા લોકોને કચ્છની મીઠી મધુર કેસર કેરીનો સ્વાદ માણવા મળી રહ્યું છે. કેસર કેરીનો માલ ઓછું હોતા ગુણવતા મુજબ ભાવ જથ્થાબંધ બજારમાં 5 કિલોના 350 - 400 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં 450થી 500 રૂપિયા જોવા મળી રહ્યા છે. તો ઊંચી ગુણવત્તાનો માલ 200થી 250 રૂપિયે કિલો મળી રહ્યો છે.

દેશ વિદેશમાં કચ્છની કેસર કેરીની માંગ:
કચ્છની કેસર કેરી ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, હૈદરાબાદ સહિત મોટાભાગના રાજ્યોમાં કચ્છની કેસર કેરી જાય છે. તો ભારતમાંથી દુબઇ, લંડન, અમેરિકા, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેન્યા અને કુવૈત સહિતના દેશોમાં કે જ્યાં ભારતીયો અને પટેલોની વસતી છે તેવા દેશોમાં કચ્છી કેસર કેરીની નિકાસ પણ થતી હોય છે.

બદામ અને હાફૂસ કેરીનો જથ્થો પૂર્ણ:
કેસર કેરીના વેપારી હસમુખ ઠક્કરે જણાવ્યું હતું કે, લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોતા હતા તેવી કચ્છી કેસરની હાલમાં આવક બજારમાં શરૂ થઈ ગઈ છે. પરંતુ વાવાઝોડાના હિસાબે આ વખતે કેરીનો માલ થોડો ઓછો પણ છે. 5 કિલોની પેટીની પેકિંગ 400- 450 રૂપિયાથી લઈને 500 રૂપિયાના ભાવે વહેંચવામાં આવી રહી છે. માંગની વાત કરવામાં આવે તો 12 મહીને કેરી આવતી હોય છે માટે માંગ તો રહે જ છે અને લોકો પણ કચ્છની કેસર કેરીની ખૂબ રાહ જોતા હોય છે. કચ્છની કેસર કેરી રસદાર અને મીઠી હોય છે. કચ્છની કેસર કેરીના પ્રેમીઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ કચ્છની કેસર કેરીનો મંગાવતા હોય છે. તો આ વખતે બદામ અને હાફૂસ કેરીનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે માટે હવે કેસર કેરીની માંગ અને જથ્થો જોવા મળશે.

જૂનાગઢની કેરી કરતા પણ વધારે સારી અને રસદાર કચ્છની કેસર કેરી:
કેસર કેરીનો વેપાર કરતા વેપારી રમેશ દાવડાએ જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલેથી જ કચ્છની કેસર કેરી બજારમાં આવી ચૂકી છે. કેરીની રાહ જોતા લોકોને હવે કેરીનો સ્વાદ માણવા મળશે તો હાલમાં કચ્છની કેસર કેરીની ગુણવતા ખૂબ સારી આવી રહી છે. ઝાકળ અને ગરમ હવાના કારણે માલની આવક ઉપર અસર થઈ છે. બજારમાં કેસર કેરીનો ગુણવતા મુજબ 5 કિલોના બોક્સમાં ભાવ 400થી 500 જેટલા ભાવ છે.કચ્છની કેસર કેરીની માંગ તો દર વખત જેટલી જ છે ઉપરાંત જૂનાગઢની કેરી કરતા પણ વધારે સારી અને રસદાર કચ્છની કેસર કેરી છે.
આ પણ વાંચો: