કચ્છ: જિલ્લાની કુળદેવી મા આશાપુરા માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને પૂજા વિધિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે માતાના મઢમાં સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાયું હતું. અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોએ જયજયકાર કર્યો હતો.
ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વના શુક્રવારે સાતમા નોરતે રાત્રે 10 કલાકે જગદંબા પૂજન સાથે હોમ હવનની ધાર્મિક વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમાયું: સ્થાનિક ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં યજ્ઞશાળા ખાતે હવનની ધાર્મિક વિધિ આચાર્ય શાસ્ત્રી દેવકૃષ્ણ મૂલશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જગદંબા પૂજન સાથે કરાવી હતી. મોડી રાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત માઈ ભક્તોએ ઢોલ શરણાઈના સૂર સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કરી વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું.


મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા: માતાના મઢ જાગીરના અધ્યક્ષે આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે માતાજીનું પૂજન અર્ચન સાથે તેમની આરતી ઉતારી હતી. આ પ્રસંગે માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, ચત્રભુજ ભાનુશાલી તેમજ કનૈયાલાલ ભાનુશાલી, મયુરસિંહ જાડેજા, મંદિરના પૂજારી તેમજ ટિલાટ પરિવારના ગજુભા ચૌહાણ,, સિદ્ધરાજસિંહ, ધ્રુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: