ખેડા: ખેડા જીલ્લામાં લગ્ન પ્રસંગે બેફામ બની ડીજેની હરીફાઈ કરતાં ત્રણ ડીજે માલિકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. નડીયાદ તાલુકાના મહોળેલ ગામે લગ્ન પ્રસંગે ત્રણ DJ વચ્ચે હરીફાઈ જામી હતી. જેમાં વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે વચ્ચે કોની સિસ્ટમ ચડિયાતી છે તે સાબિત કરવા હરીફાઈ થઈ હતી. જેમાં ત્રણ ડીજેએ બેફામ બની ઉંચા અવાજે સ્પીકર વગાડતાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ભારે ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવ્યો હતો. જે બાબતે ચકલાસી પોલીસ દ્વારા ગામમાં પહોંચી ડીજે સિસ્ટમ જપ્ત કરી ત્રણે ડીજે માલિકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
કોની ડીજે સિસ્ટમ ચડીયાતી છે તે સાબિત કરવા હરિફાઈ
ખેડા જીલ્લાના નડીયાદ તાલુકાના મહોળેલ ગામે એક સ્થાનિકના પુત્રીનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં કન્યા પક્ષ અને વર પક્ષના ડીજે આમને સામને આવી ગયા હતા. કોની ડીજે સિસ્ટમ ચડિયાતી છે તે સાબિત કરવા ત્રણ ડીજે વચ્ચે હરીફાઈ થઈ હતી. જ્યાં લોકોનું મોટું ટોળું પણ ભેગુ થયું હતું. તેમજ ડીજેના વાહનો પર લોકોના ટોળા લટક્યા હતા. હરિફાઈ જામતા ત્રણે ડીજેએ ધ્રુજાવી દેતા ત્રાસદાયક ઉંચા અવાજે સ્પીકર વગાડતાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું.

ડીજે માલિકો સામે ગુનો નોંધાયો
ચકલાસી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બેફામ બની ભારે ઉંચા અવાજે ડીજે સિસ્ટમ વગાડતા ત્રણેય ડીજેના માલિકો વિરૂદ્ધ ચકલાસી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્રણેય ડીજે સિસ્ટમ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ડીજે -સલુણના માલિક પ્રવિણભાઈ શનાભાઈ ગોહિલ, રીધમ ડીજેના માલિક પ્રકાશભાઈ રમેશભાઈ ગોહિલ-આણંદ અને ડીજે 22 કીંગના માલિક મહેન્દ્રસિંહ રામસિંહ સોઢાપરમાર-પાલડી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નમાં વરઘોડામાં ડીજે માટે પરમિશન જરૂરી
લગ્ન પ્રસંગે વરઘોડામાં ડીજે વગાડવા બાબતે પરવાનગી લેવી જરૂરી છે. જેમાં વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજેની પરમિશન અને એની સમય મર્યાદા એનો રૂટ બધી વિગતો આપવી પડે છે. આ બાબતે કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: