ખેડા: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ખાતે આવેલી સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. જેમાં ગુજરાત પ્રાંતિય સમિતીની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ થતાં તેમાં થોડો ફેરફાર થયો હતો. તેમજ જમીન જૂની શરતની થયેલી. જેનો લાભ લઈ ખોટી રીતે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી નકલી સાક્ષીઓ ઉભા કરાવી બારોબાર જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો. સમગ્ર મામલામાં મહેમદાવાદ એડિશનલ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું કુદરતી મૃત્યું નિપજ્યુ હતું.
નકલી સરદાર પેદા થયાનું બહાર આવ્યું
સમગ્ર કેસ ઉજાગર થતાં 'નકલી સરદાર પટેલ' પેદા થયા હતા તે જાણવા મળ્યું હતું. બારોબાર સરદાર પટેલ બની બેસી જમીન પચાવી પાડવી હતી. 2004માં રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ થતાં તેમાં આગળથી કેટલાક શબ્દો નીકળી ગયા હતા. તેમજ 2009માં જૂની શરતની જમીન થતાં તેનો લાભ લેવા કારસો રચાયો હતો. 2010 માં સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવી લીધો હતો. જે બાદ વેચાણ રાખનાર ભૂપેન્દ્રભાઈ ડાભીએ રેવન્યુ રેકર્ડમાં માલિકી હકે પોતાનું નામ દાખલ કરાવવા મામલતદાર કચેરીએ અરજી કરી હતી. જેમાં મૂળ માલિક વલ્લભભાઈ ઝવેરભાઈના નામની 135 ડી મુજબ નોટિસ ઈશ્યૂ કરાઈ હતી. જે નોટિસ મળ્યા બદલની પાવતી સ્વરૂપે રજૂ થયેલ દસ્તાવેજમાં મિલકતના માલિક વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ લખેલું હતું. તે નામ પર લીટો મારી તેની નીચે ભૂપેન્દ્રભાઈ ડાભીએ સહી કરી હતી.
વલ્લભભાઈ ઝવેરભાઈને નોટિસ બજેલ ન હોવા છતાં ફેરફાર નોંધ પાડી તેના આધારે વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડ ઉપરથી દૂર કરી આરોપી ભૂપેન્દ્રભાઈ ડાભીએ માલિકી હકે પોતાનું નામ દાખલ કરાવી દીધું હતુ. આ હકીકત જે તે સમયના નાયબ મામલતદાર બી.એન.શર્માના ધ્યાને આવતા ખોટો વેચાણ દસ્તાવેજ થયો હોવાનું ખુલવા પામતા તેઓએ મહેમદાવાદ પોલીસ સ્ટેશને તમામ આરોપીઓ સામે 2012 માં લેખિત ફરિયાદ આપી હતી.

20 મૌખિક અને 69 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા
કેસમાં સરકારી વકીલ કે.એ.સુથાર દ્વારા 20 મૌખિક પુરાવા જેમાં ફરિયાદી દસ્તાવેજ લખનાર તથા દસ્તાવેજ રજીસ્ટર્ડ કરનાર સબ રજીસ્ટ્રાર, હસ્તાક્ષર નિષ્ણાંત, ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતને રજૂ કરાયા હતા. તેમજ 69 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. સાથે જ વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો.
ખોટી ઓળખ આપી દસ્તાવેજ નામે કરાવી લીધેલો : સરકારી વકીલ
આ બાબતે સરકારી વકીલ કે.એ.સુથારે જણાવ્યું હતું કે, આજરોજ નામદાર કોર્ટે ગાડવા સીમની સર્વે નંબર 270 વાળી જમીન કે જે વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલના નામે અને ખાતે ચાલતી હતી. એ ગુજરાત પ્રાંતીય સમિતિની જમીન હતી. એમાં માલિક તરીકે તે વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતુ. વર્ષ 2004 માં જ્યારે કોમ્પ્યુટરાઈઝ રેકર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સમિતિ ગુ.પ્રા. સ લખેલું હતું રેકર્ડમાં તે દૂર થઈ ગયુ અને ફક્ત વલ્લભભાઇ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી. એનો લાભ આરોપીઓએ લઈ હિરાભાઈ કલાભાઈ ડાભીને વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાડવા સીમની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો.
હિરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભીએ આપેલી. એમણે પણ ખોટું નામ ધારણ કરેલું. બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હિરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી.
ખોટો દસ્તાવેજ બનાવી ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવ્યા
વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતુ કે, આ કેસ નામદાર મહેમદાવાદ એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે. ઈપીકો કલમ 465 માં એક વર્ષ, 467 માં બે વર્ષ, 468 માં એક વર્ષ અને 471 માં એક વર્ષ અને તમામ કલમોમાં એક હજાર રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે. હિરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરેલ હતું. એ ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે. બાકીના ત્રણ આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠરાવ્યા છે.
આ પણ વાંચો: