ખેડા: ખેડા જીલ્લામાં આજે હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લાના નડિયાદ સહિત ખેડા, નેસ અને ચુણેલ સહિતના પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા. હનુમાનજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
જીલ્લામાં આવેલા છે પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો
ખેડા જીલ્લાના નડીયાદ સહિતના સ્થળોએ પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો આવેલા છે. જેમાં ખેડા ખાતે ખેડીયા હનુમાનજી મંદિર, ઠાસરાના નેસ ખાતે નેસિયા હનુમાનજી મંદિર અને મહુધાના ચુણેલ ખાતે ચુણેલા હનુમાનજી મંદિરો આવેલા છે. જ્યાં દાદાના દર્શન કરવાનો ભાવિકોમાં ભારે મહિમા રહેલો છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરોએ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. આ મંદિરોમાં ભારે ભક્તિભાવ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે દિવસ દરમિયાન મારૂતિ યજ્ઞ, મહા પ્રસાદ, ધૂન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દાદા બધાની મનોકામના પુર્ણ કરે છે: શ્રદ્ધાળુ
આ બાબતે શ્રદ્ધાળુ બેલાબેને જણાવ્યું હતું કે, શ્રદ્ધા તો એવી છે કે ચુણેલ ગામમાં વર્ષોથી હનુમાન દાદા સાક્ષાત હાજરા હજૂર જ છે. અનેક ચમત્કારો અનેક આસ્થા લોકોની છે. ગામમાં અને અત્રે જન્મોત્સવ નિમિત્તે અમે જે મારૂતિ યજ્ઞનું આયોજન ગામ લોકોએ કરેલું છે. એમાં અમે પૂર્ણ શ્રદ્ધાથી બધા ભાગ લેવા આવ્યા છીએ. અનેક એવા ચમત્કારો છે કે જે મહાસંકટ, મહા પૂર આવ્યું હતુ, કોરોના કાળ આવ્યો. ગામની રક્ષા હનુમાન દાદા કરે છે. આજે પણ હાજરા હજૂર છે અને અનેક ચમત્કારો છે દાદાના. જનોઈ અને બાબરી ઉતારવા ગામના લોકો પહેલા દાદાના જ દર્શન કરે છે. દાદા સર્વ મનોકામના બધાની પુર્ણ કરે છે.

યોદ્ધા સ્વરૂપમાં દાદા બિરાજમાન છે: પૂજારી
આવી મોટી ઉભેલી અવસ્થામાં સ્વયંભૂ બીજી કોઈ મૂર્તિ નથી. હનુમાન દાદા અમારા યોદ્ધા રૂપમાં પ્રતિષ્ઠિત છે. જે ભક્ત પોતાની મનોકામના લઈને આવે બાધા રાખે તેની મનોકામના પુર્ણ થાય છે. આ સ્થળનો એક ચમત્કાર છે કે સવારથી સાંજ સુધી ગમે તેટલો પ્રસાદ વહેંચ્યા કરો પણ ક્યારેય ખૂટતો નથી.
આ પણ વાંચો: