કપડવંજ, ખેડા: ખેડા જીલ્લાની કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા પોકસોના ગુનામાં ચુકાદો આપવામાં આવ્યો છે.જેમાં પોક્સોના ગુનાના આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આરોપી અશોક ઉર્ફે અજય સોલંકી ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. દરમિયાન આરોપીએ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલામાં કોર્ટ દ્વારા દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
30થી વધુ દસ્તાવેજી અને 8 મૌખિક પુરાવા રજૂ કરાયા
તારીખ 26 જૂલાઈ 2022ના રોજ આરોપી અશોક સગીરાને ભગાડી લઈ ગયો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 30 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કરાયા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજ કે.એસ.પટેલે આરોપી અશોક ઉર્ફે અજયભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહે.બાવાના મુવાડા તાબે બેટાવાડા તા.કપડવંજને સજાનો હુકમ કર્યો હતો.

આરોપીને વીસ વર્ષની સજાનો અને પીડિતાને વળતરનો હુકમ
આ બાબતે સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું હતું કે, કપડવંજ સેશન્સ કોર્ટમાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ બળાત્કારના ગુનામાં વીસ વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે 26 જૂલાઈ 22ના રોજ આરોપી અશોક સોલંકી જે બાવાના મુવાડા તાબે બેટાવાડાનો રહેવાશી છે.તે ભોગ બનનાર દીકરી જે સગીર વયની હતી.તેને ભગાડી અને ભુંગડીયા તોરણા ત્યારબાદ બોરસદ વગેરે જગ્યાએ લલચાવી ફોસલાવી લઈ ગયો અને મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગેની સમગ્ર ટ્રાયલ આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટમાં કે.એસ.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો.જેમાં આરોપી અશોક સોલંકીને ઈપીકો કલમ 363માં 4 વર્ષની સજા અને આઈપીસીની કલમ 376(2)(એન) અને પોક્સો એક્ટની કલમ 6 માં તકસીરવાન ઠેરવ્યો છે.પોક્સો એક્ટની કલમ 6માં વધુ સજાની જોગવાઈ હોય એને વીસ વર્ષની સજાનો હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આજરોજ હુકમ કરેલો છે.