જૂનાગઢ: આગામી એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ પણ શક્યતાને જૂનાગઢ હવામાન વિભાગે નકારી છે. આ દિવસો દરમિયાન આકરી અને અકળાવનારી ગરમી પડવાની સાથે 12મી જૂન બાદ નૈઋત્યનું ચોમાસાની ગતિવિધિ ફરી એક વખત શરૂ થતી જોવા મળી શકે છે. પરંતુ આગામી એક અઠવાડિયા દરમિયાન ચોમાસાની કે નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા પર જૂનાગઢ હવામાન વિભાગે પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
આગામી એક અઠવાડિયા દરમિયાન પડશે ગરમી
નૈઋત્યના ચોમાસાને લઈને હવે સૌ કોઈ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાને લઈને પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધ્યાપક પ્રોફેસર ધીમંત વઘાસીયાએ ETV ભારતને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ 12 મી જૂન બાદ શરૂ થતી જોવા મળી શકે છે. પરંતુ ત્યાં સુધી આકરી અને અકળાવનાવી ગરમીમાંથી સૌ કોઈને પસાર થવું પડી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન એટલે કે 12મી જૂન સુધીના સમયમાં કચ્છ અને રાજસ્થાન વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે આંધી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત પર સ્થિર અપર એર સરક્યુલેશન
નૈઋત્યના ચોમાસાને લઈને અપર એર સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર સ્થિર થતું જોવા મળી રહ્યું છે. જેને કારણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જેને કારણે અમરેલી, ભાવનગર અને રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો કે મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ તરફ સ્થિર થયું છે જે 12 મી જૂન બાદ ફરી સક્રિય થતું જોવા મળશે. જેને કારણે નૈઋત્યના ચોમાસાના વરસાદની શરૂઆત 12મી જૂન બાદ થવાની શક્યતા જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: