જૂનાગઢ: છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી 19 મી જૂનના દિવસે મતદાન થશે. ત્યારે હવે એક વર્ષથી સુશુપ્ત થયેલી રાજકીય ગતિવિધિઓ વિસાવદર બેઠકને લઈને જાગૃત થતી જોવા મળી રહી છે. જેમાં આજે ભાજપે ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટણી લડવા માંગતા લોકોને સાંભળશે. ત્યારબાદ ઉમેદવારના અંતિમ નામને લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય કરશે.
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા:
વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી 19મી જૂનના દિવસે મતદાન યોજાશે. ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરતા જ ફરી એક વખત એક વર્ષ સુધી ખાલી પડેલી અને રાજકીય રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી સુસુપ્ત પડેલી વિધાનસભા બેઠક પર હવે ધીમે ધીમે રાજકીય ગતિવિધિઓ ચરમસીમા પર જોવા મળશે.
આજે પ્રદેશ ભાજપ દ્વારા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોહનભાઈ કુંડારીયા, અમીબેન યાગ્નિક અને ગૌતમ ગેડિયા સહિત ચૂંટણી લડવા માંગતા તમામને સાંભળીને તેનો રિપોર્ટ પ્રદેશ ભાજપને કરશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાંથી કોઈ એક નામને ઉમેદવાર તરીકે જાહેર કરશે, જે ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી લડતા જોવા મળશે.
પૂર્વ ધારાસભ્ય અને નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા:
વિસાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામની ચર્ચા કરીએ તો અહીં આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભુપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂટણીમાં પૂર્વ ધારાસભ્ય પણ જંગમાં જોવા મળી શકે છે. રાજીનામું આપનાર ભુપત ભાયાણીની સાથે ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રીબડીયા, એક વખત ચૂંટણી લડેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા સહીત અગ્રણી કાર્યકરો પેટા ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

પરંતુ તમામ સમીકરણોને ધ્યાને રાખીને ભાજપ ઉમેદવારની પસંદગીમાં કોઈ મોટો ચમત્કાર કરે તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી. વિસાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થશે જેમાં પૂર્વ ધારાસભ્યોની પસંદગી નહીં થાય તો કોઈ યુવા અથવા તો મહિલાને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો: