દેશનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય, જાણો સક્કરબાગ નામ સાથે જોડાયેલો રોચક ઈતિહાસ
આમ તો જુનાગઢમાં અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે, પરંતુ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું આકર્ષણ કંઈક અલગ જ છે. જાણીશું સક્કરબાગ નામ કેમ રીતે પડ્યું ?

Published : July 14, 2025 at 3:46 PM IST
|Updated : July 14, 2025 at 5:57 PM IST
જુનાગઢ: જુનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આજે પણ ઇતિહાસકારોના મતે ભારતનુ સૌથી જૂનું અને કદાચ પહેલુ પ્રાણી સંગ્રહાલય છે, વર્ષ 1863માં જૂનાગઢના નવાબે એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહોને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણી સંગ્રહાલય બનાવ્યું હતું, જેનું નામ આ વિસ્તારમાં આવેલા મીઠા પાણીના કુવા કે જેનો સ્વાદ સાકર જેવો હતો, જેથી આ પ્રાણીસંગ્રહાલયનું નામ સકકરબાગ રાખવામાં આવ્યું.
સાકર જેવા મીઠા પાણીથી નામ પડ્યું સકકરબાગ
જુનાગઢ આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજે પણ પર્યટકો માટે સૌથી પહેલી પસંદ બની રહી છે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો ઈતિહાસ પણ ગીરના સિંહની માફક એકદમ ઉજ્જવળ જોવા મળે છે, જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ 1863માં પ્રાણી સંગ્રહાલય બનાવવાનું નક્કી કરાયુ. નવાબના સમયમાં એકમાત્ર એશિયામાં અને તેમાં પણ ગીરમાં કે જે જૂના રાજા રજવાડામાં જુનાગઢ રાજ્યમાં આવતું હતું, તેમાં સિંહ જોવા મળતા હતા. જુનાગઢના બીજા નવાબ રસુલખાને સિંહોને કેન્દ્રસ્થાને રાખીને જુનાગઢમાં પ્રાણીસંગ્રહાલય બનાવવાનો વિચાર કર્યો અને 1863માં નવાબે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરી. જે જગ્યા પર સંગ્રહાલય આજે ઉભું છે ત્યાં 1863માં સાકર જેવા મીઠા પાણીનો કૂવો હયાત હતો, તેના પરથી જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયનું નામ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પડ્યું હશે, તેવો મત ઐતિહાસકાર ડો.પ્રદ્યુમન ખાચર આપી રહ્યા છે.

ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય
સકરબાગ પ્રાણી સંગ્રહાલય તેના સ્થાપનાના વર્ષ અને તેની સાથે જોડાયેલા ઇતિહાસને લઈને તે ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય હોવાનું માનવામાં આવે છે. જ્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અસ્તિત્વ ધરાવતું હતું, એવા સમયે કલકત્તા અને હૈદરાબાદમાં પણ પ્રાણી સંગ્રહાલય બન્યા હોવાની વિગતો મળે છે, પરંતુ તે સ્પષ્ટ કયા વર્ષમાં બનાવવામાં આવ્યા હતા તેની કોઈ વિગતો ઇતિહાસમાં સ્પષ્ટ જોવા મળતી નથી. જેથી સકકરબાગ પ્રાણી સંગ્રહાલય તેના નિર્માણના સ્પષ્ટ વર્ષ સાથે ઇતિહાસમાં નોંધાયેલું છે, જેથી બિલકુલ કહી શકાય કે સૌરાષ્ટ્રનું એકમાત્ર અને પહેલું પરંતુ ભારતનું પણ પહેલું પ્રાણી સંગ્રહાલય સકકરબાગ હશે.



સક્કરબાગ સાથે પ્રાણીઓનો ઇતિહાસ
નવાબે 1863માં સિંહની સંખ્યા અને તેના અસ્તિત્વને ધ્યાને રાખીને પ્રાણી સંગ્રહાલય બનાવડાવ્યું હતું. જ્યાં સિંહ જેવા હિંસક પ્રાણીઓને રાખવામાં આવતા હતા. આ સિવાય સરદાર બાગ વિસ્તારમાં પણ તૃણાહારી પશુ-પક્ષી અને પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા.સક્કરબાગના નિર્માણ થયા બાદ ત્યાં રહેલા માંસાહારી પ્રાણીઓને કેટલો સમય માટે સરદારબાગમાં તૃણાહારી પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. પરંતુ અંતે હિંસક સિંહ સહિત તૃણાહારી અને પક્ષીઓને કાયમી ધોરણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સ્થળાંતરિત કર્યા. આજે વર્ષ 1863થી સતત પ્રવાસીઓ માટે જંગલની દુનિયા અને પ્રકૃતિ તેમજ પ્રાણીઓની સાથે માનવ વ્યવહારને લાગણીને સંબંધથી સતત બાંધવામાં સફળ રહ્યા છે.

