જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં સૌથી ચોંકાવનારુ પરિણામ વોર્ડ નંબર 8 અને 9 માંથી સામે આવ્યું છે. વોર્ડ નંબર નવમાં પાછલા સાત વખતથી કોર્પોરેટર પદે ચૂંટણી જીતતા અને ભાજપના મોટા નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે.
પાર્થ કોટેચાને પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈ સામે પરાજય થયો છે, તો બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપના તમામ ઉમેદવારોએ ચૂંટણી હારવાની સાથે તેની ડિપોઝિટ પણ ગુમાવી છે.
જુનાગઢ ચૂંટણીના ચોંકાવનારા પરિણામો
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે સત્તાના સૂત્રો જાળવી રાખવામાં ભાજપ સફળ થયુ છે, પરંતુ ભાજપના કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી જીતવામાં આ સફળ રહ્યા છે.

તો બીજી તરફ જુનાગઢ કોર્પોરેશનમાં દબદબો ધરાવતા ભાજપને વોર્ડ નંબર 8માં તેના ઉમેદવારને ચૂંટણી જીતાડવા તો બહુ દૂરની વાત રહી, પરંતુ તેની ડિપોઝિટ બચાવવામાં પણ સફળતા મળી નથી.
જૂનાગઢના સાત વખતના સૌથી સિનિયર કોર્પોરેટર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનું વોર્ડ નંબર નવના અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈ સામે પરાજય થયો છે, અશ્વિનભાઈ પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી જંગમાં હતા.

વોર્ડ 8માં ભાજપ ઉમેદવારોની ડિપોઝિટ બચાવવામાં અસફળ
વોર્ડ નંબર આઠમાં ભાજપના ઉમેદવારો અરજણભાઈ બાટવા, આશાબેન રાવત અને પુનમબેન ગોરાણીયાનો કોંગ્રેસના અદ્રેમાન પંજા, શાહિદ કોતલ, શહેનાઝ કાદરી અને શેનીલાબેન થઈમ સામે પરાજય થયો છે.

વોર્ડ નંબર આઠમાં AIMIMના ઉમેદવાર ઇમરાન તુર્ક નિશાંત નાયબ સાજીદ ખાન પઠાણ પણ ચૂંટણી લડી રહ્યા હતા, આઠ નંબરના વોર્ડમાં બહુ પાંખિયા જંગની વચ્ચે કોંગ્રેસના પરંપરાગત વોર્ડ ગણાતા આઠ નંબર માંથી ભાજપના ઉમેદવારોને પોતાની ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ બની ગઈ હતી.

ભાજપ પૂર્ણ બહુમતી સાથે જૂનાગઢ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળી રહી છે, પરંતુ આઠ નંબરના વોર્ડમાં તેમના ઉમેદવારોને ડિપોઝિટ બચાવી શકવામાં ભાજપ અસફળ રહી હતી પ્રથમ વખત જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલી AIMIMને પણ ખૂબ મોટો ઝટકો લાગ્યો છે, અહીંથી તેમના ઉમેદવારો 700 મત પણ મેળવવામાં અસફળ રહ્યા છે.