જૂનાગઢ: માધવપુર આજે 5200 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક કૃષ્ણ રુક્મિણી વિવાહ પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજે દિવસ દરમિયાન કૃષ્ણ અને રુક્મિણીના વિવાહ વિધિ પરંપરા અનુસાર પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ આવતી કાલે વહેલી સવારે 9:00 વાગે જાનની વિદાય આપવામાં આવશે અને જાન સાંજે 4 કલાકે પરત નીજ માધવરાય મંદિર પહોંચશે. ત્યારબાદ પાંચ દિવસના કૃષ્ણ રુક્મિણીના વિવાહ પ્રસંગ અને ભાતીગળ મેળો વિધિવત રીતે પૂર્ણ થશે.
માધવપુરમાં કૃષ્ણ રુક્મિણી વિવાહ: આજે બપોર બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીના વિવાહની વિધિ શરૂ થશે જે આવતી કાલે સવારે 9:00 વાગ્યા સુધી જાનના વિદાય પ્રસંગ સુધી સતત ચાલતી જોવા મળશે. આવતી કાલે જાન માધવરાય નીજ મંદિરે પરત ફરતા પાંચ દિવસના કૃષ્ણ રુક્મિણી વિવાહ પ્રસંગ સાથે અહીં આયોજિત થતો ભાતીગળ માધવપુરનો મેળો પૂર્ણ થશે. આજે સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ રુક્મિણીના વિવાહ વિવિધ ધાર્મિક વિધિ સાથે પૂર્ણ કરવામાં આવશે, જે વહેલી સવાર સુધી ચાલતી હોય છે ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જાનને વિદાય આપવામાં આવે છે.
આજ સવારથી લગ્ન વિધિ શરૂ: હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે રુક્મિણીની પ્રતિમા માધવરાય મંદિરથી રૂક્ષ્મણી મંદિરે પરત આવે છે. ત્યારથી કૃષ્ણ રુક્મિણી વિવાહના આ પ્રસંગની તૈયારી શરૂ થાય છે. ત્રણ દિવસ સુધી રુક્મિણી મંદિરે બિરાજીત થયેલા રુક્મિણી માતા ચૈત્ર સુદ બારસના દિવસે ફરી એક વખત મંદિરથી ભગવાન માધવરાયને લગ્ન માટે આવવા આમંત્રણ આપવા માટે જતા હોય છે. ભગવાન રુક્મિણીના લગ્નનું આમંત્રણ સ્વીકારી લેતા રુક્મિણી પરત નિજ મંદિરે આવે છે ત્યારથી લગ્ન વિધિની શરૂઆત થાય છે.

ખાતરી બાદ લગ્ન વિધિ શરૂ: માધવરાય મંદિરે રુક્મિણી માતાનો પરિવાર જાય છે ત્યારે વરરાજા તરીકે ભગવાન કૃષ્ણને ગુપ્ત નિશાની આપે છે જે ભગવાનની જાન રુક્મિણી મંદિરે આવતા પિયર પક્ષ તરફથી આપવામાં આવેલ ગુપ્ત નિશાની પરત રુક્મિણી મંદિરના પરિવારજનોને મળે છે. જેથી લગ્ન માટે આવેલા વરરાજા ભગવાન શ્રીકૃષ્ણ છે તેની ખાતરી થયા બાદ સમગ્ર લગ્ન વિધિ શરૂ થાય છે.

મધુવન ખાતે નાળિયેરની અદલાબદલી: ચૈત્ર સુદ બારસે ભગવાન કૃષ્ણ તેમના પરિવારજનો સાથે રુક્મિણીને પરણવા માટે આવે છે, ત્યારે મધુવન ખાતે લગ્ન વિધિની શરૂઆત થાય છે. જેમાં શ્રીફળની અદલાબદલી કરવાની સાથે જ કૃષ્ણ અને રુક્મિણીના વિવાહની વિધિ શરૂ થાય છે. ત્યારબાદ વરરાજાના સ્વરૂપે આવેલા ભગવાન કૃષ્ણનું ચોરી માયરા લગ્ન મંડપમાં પોખણા કરવામાં આવે છે. તે પછી રુક્મિણીને લગ્ન મંડપમાં દુલ્હનની જેમ શણગારી ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિવાહના બંધને બંધાવા માટે લાવવામાં આવે છે.


લગ્ન વિધિ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શરૂ થાય છે જે આખી રાત્રી સુધી ચાલતી હોય છે. આ સમય દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની સાથે આવેલા તેમના જાનૈયાઓ રાતવાસો મધુવન એટલે કે ચોરી માયરામાં કરે છે. ત્યારબાદ વહેલી સવારે રાજભોગ આપ્યા બાદ સવારે 9:00 કલાકે વિધિવત રીતે જાનની વિદાય કરવામાં આવી છે.

ચૈત્ર સુદ તેરસથી રુક્મિણી માધવરાય મંદિરે બિરાજે: ચૈત્ર સુદ તેરસના દિવસે સાંજે 4 કલાકની આસપાસ રુક્મિણીને પરણીને આવેલા ભગવાન શ્રીકૃષ્ણ માધવરાય મંદિરે બિરાજમાન થાય છે. ત્યારબાદ આવતા વર્ષે આવનારી ચૈત્ર શુભ નોમના દિવસ સુધી રુક્મિણી માધવરાય મંદિરે બિરાજીત થતા જોવા મળે છે. વર્ષના માત્ર ચાર દિવસ પંચધાતુની બનેલી રુક્મિણીની પ્રતિમા રુક્મિણી મંદિરમાં બિરાજિત થાય છે, આ સિવાય સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના હસ્ત મેળાપની વિધિ સાથેની પ્રતિમા રુક્મિણી મંદિરમાં દર્શન આપે છે.


આ પણ વાંચો: