જૂનાગઢ: કાચના મોતી અને તેના દ્વારા તૈયાર કરવામાં આવતા વિવિધ શોપીસ અદ્ધભૂત દેખાય છે. આધુનિક સમયમાં હવે કાચના મોતીથી મહિલાઓ માટેના અલંકારો બનાવવાની શરૂઆત થઇ છે અને તે માટે કાઠીયાવાડને આજે પણ મોતી કળાનું હબ માનવામાં આવે છે.
માધવપુરના મેળામાં અમરગઢની મહિલા મંડળ દ્વારા એકથી એક ચડિયાતા અને સૌ કોઈને એક વખત વિચારતા કરી મૂકે તે પ્રકારે કાચના મોતીથી વિવિધ શોપીસ અને મહિલાઓ માટેના અલંકારો રજૂ કરવામાં આવ્યા હતા. આ અલંકારો અને શોપીસ જોઈને સ્વયંમ મહિલાઓ પણ અવાચક બની ગઈ હતી.
કાઠીયાવાડની મોતી કલા આજે પણ અવ્વલ: કાઠીયાવાડ અનેક પરંપરા માટે જાણીતું છે. કાઠીયાવાડ ભગવાનને પણ મહેમાનગતિ કરવાનું ગૌરવ મેળવે છે. કાઠીયાવાડની આ ઉપલબ્ધિ તેની પરંપરા અને પરંપરા સાથે જોડાયેલા પ્રસંગોને ઉજાગર કરીને નવી પેઢીમાં જૂની પરંપરા પ્રસ્થાપિત થાય અને સંસ્કાર અને સંસ્કૃતિ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.

સંસ્કૃતિ આગળ વધારવાનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે કાઠીયાવાડની મોતી કળા થકી આજે આધુનિક યુગમાં પણ અનેક મહિલા કારીગરો અને મહિલા મંડળો મોતી માંથી બનેલા શોપીસ અને મહિલાઓ માટેના આભૂષણો બનાવી ન માત્ર રોજગારી મેળવી રહી છે પરંતુ કેટલીક બહેનોને રોજગારી આપવાનું કામ પણ આ મોતી કળા કરી રહ્યું છે.

મોતી કળા કચ્છ, કાઠીયાવાડીની આગવી ઓળખ: મોતી કળા કચ્છ અને કાઠીયાવાડની આગવી ઓળખ અને પરંપરા પણ બની ચૂકી છે. કાચના મોતીને વિવિધ કલર અને આકારમાં કાપીને તેમાંથી ખૂબ જ સુંદર શોપીસ અને ઘરેણાં બનાવવામાં આવે છે જે કોઈ પણ પ્રસંગમાં ચાર ચાંદ લગાવી આપે છે. કાચના મોતીમાંથી બનેલા શોપીસ અને ઘરેણાં અતિ પ્રાચીન ગુજરાતની હસ્તકલાઓ પૈકી એક કલા તરીકે આજે પણ અસ્તિત્વ ધરાવે છે જે આજે પણ લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગોમાં મોતીથી બનેલા શોપીસ અને આભૂષણો આપવાની પરંપરા જોવા મળે છે.

કાચના મોતીમાંથી દાગીના હાર, મોતીના કડા, મોતીના પેન્ડન્ટ, મોતીની બંગડી અને પાયલની સાથે ઝૂમખા અને ગળામાં પહેરવાના હાર પણ ખૂબ જ કલાત્મક રીતે બની રહ્યા છે. આ સિવાય ટોડલા, તોરણ, બાજઠ, કળશ ભગવાનના પૂજાપાની થાળી સહિત અનેક ચીજવસ્તુઓ રંગબેરંગી મોતીથી બનાવીને તેને એક અલગ આકારની સાથે કોઈ પણ વ્યક્તિને પ્રથમ નજરે જ ગમી જાય તે પ્રકારે બનાવવાની કળા કાઠીયાવાડની મહિલાઓમાં આજે પણ જોવા મળે છે.

મહિલાઓના સ્વરોજગારી માટેનું શ્રેષ્ઠ માધ્યમ: અમરગઢના પારુલ બેન છેલ્લા 15 વર્ષથી કાચના મોતી કળા સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા એક મહિલા મંડળ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 11 જેટલી બહેનો આ પ્રકારે કાચના મોતી કામને લગતી સુશોભનની આઈટમ અને મહિલાઓ માટેના આભૂષણ બનાવીને પ્રતિ વર્ષ 12 થી 13 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

આ સિવાય બહેનોના સખી મંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 50થી 70 જેટલા કારીગરો પણ રોકવામાં આવ્યા છે, જે તમામ પ્રતિ મહિને પાંચથી સાત હજાર કરતાં વધારેનું કામ મોતીથી બનેલા સુશોભનના શોપીસ અને મહિલાઓ માટેના આભૂષણ બનાવીને રોજગારી પણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: