પાંચ મિનિટમાં 18 લાડુ સફાચટ... જૂનાગઢના યોજાઈ લાડુ ખાવાની સ્પર્ધા, 65 વર્ષની મહિલાએ કર્યો કમાલ
જૂનાગઢમાં સંહિતા અને ચામુંડા મહિલા મંડળ દ્વારા લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જાણો વિગતવાર માહિતી...

Published : August 4, 2025 at 1:53 PM IST
જૂનાગઢ : સંહિતા અને ચામુંડા મહિલા મંડળ દ્વારા જૂનાગઢમાં શ્રાવણ માસ નિમિત્તે ખાસ મહિલા અને બાળકો માટે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના હેમાબેન ભટ્ટે પાંચ મિનિટમાં 18 લાડુ ખાઈને સ્પર્ધા જીતી હતી. તો સોલંકી દક્ષ 15 લાડુ ખાઈને બાળકોની કેટેગરીમાં પ્રથમ રહ્યો. આ સ્પર્ધામાં 65 વર્ષના કંચનબેન હાંસલિયાએ પણ 12 લાડુ આરોગીને ખૂબ સારો દેખાવ કર્યો હતો.
જૂનાગઢમાં યોજાઈ લાડુ ખાવાની સ્પર્ધા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેની વચ્ચે જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં સંહિતા અને ચામુંડા મહિલા મંડળ દ્વારા ચૂરમાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના બહેનો-બાળકો અને વરિષ્ટ મહિલાઓ ભાગ લેવા આવ્યા હતા. દર વર્ષે મહિલા મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં આ પ્રકારની અવનવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહિલાઓ અને બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે સ્પર્ધા જીતવા માટે ઉમળકા સાથે ભાગ લેતા હોય છે.
લાડુ સ્પર્ધાના નિયમો અને કેટેગરી
આરતીબેન જોશી અને ચેતનાબેન પંડ્યાએ સ્પર્ધાના નિયમો, સ્પર્ધકો તેમજ કેટેગરીને લઈને વિગતો આપતાં જણાવ્યું કે, પ્રથમ કેટેગરીમાં 10 થી 18 વર્ષના દીકરા અને દીકરી એમ બાળકો માટેની સ્પર્ધાનું આયોજન થયું હતું. બીજી કેટેગરીમાં 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની બહેનો સ્પર્ધામાં ભાગ લઈ શકે. ત્રીજી કેટેગરીમાં 50 વર્ષથી મોટી વરિષ્ટ મહિલાઓ હતી.
આ સ્પર્ધામાં પાંચ મિનિટની અંદર સૌથી વધારે લાડુ ખાઈ શકે તેવા વિજેતા સ્પર્ધકોને મહિલા મંડળ દ્વારા આશ્વાસન ઇનામ આપી તેમના ઉત્સાહને બિરદાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
વિજેતા સ્પર્ધકોએ અને તેમનો પ્રતિભાવ
આ સ્પર્ધામાં સ્પર્ધક બનેલા સોલંકી દક્ષે 15 લાડુ ખાઈને બાળકો કેટેગરીમાં આ સ્પર્ધા જીતી હતી. આ સ્પર્ધા માટે તેમણે સવારથી તૈયારી શરૂ કરી હતી. સાંજે સ્પર્ધા શરૂ થાય તે પહેલા દર કલાકના અંતરે માત્ર દહીં ખાધું હતું, જેથી પેટ ખાલી રહે અને ભૂખ પણ વધુ લાગે. જેથી સ્પર્ધામાં સૌથી વધારે લાડુ ખાઈને આ સ્પર્ધા જીતી શકાય.
વરિષ્ઠ મહિલા કેટેગરીમાં કંચનબેન હાંસલિયાએ 65 વર્ષની ઉંમરે 12 લાડુ ખાઈને આ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેમણે આજે ઉપવાસ કર્યો હતો, સવારથી સાંજ સુધી કશું જ ખાધું ન હતું. જેથી મહાદેવની કૃપાથી આ લાડુ ખવાય છે તેવો પ્રતિભાવ તેમણે આપ્યો હતો.
તો 18 થી 50 વર્ષની મહિલા કેટેગરીમાં જૂનાગઢના હેમાબેન ભટ્ટે પાંચ મિનિટમાં 18 લાડુ ખાઈને આ સ્પર્ધા જીતી લીધી. ગત વર્ષે પણ તેમણે ત્રણ મિનિટમાં 11 લાડુ ખાઈને આ સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. વિજેતા બનેલા હેમાબેન ભટ્ટે દર મિનિટે ત્રણ લાડુ કરતાં પણ વધારે લાડુ ખાઈને આ સ્પર્ધા જીતી હતી.
સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ સ્પર્ધકોએ હજુ પણ આ પ્રકારે કોઈ પણ સ્પર્ધાનું આયોજન થાય તો તેમાં ભાગ લેવાની તૈયારી પણ દર્શાવી હતી.
આ પણ વાંચો...

