જૂનાગઢ: આંબાનું ઝાડ એક પરંતુ તેમાં 12 અલગ અલગ પ્રકારની કેરીઓ લાગેલી હોય, જો આ વાત તમે કોઈ સપના રૂપે વિચારતા હો તો તમે ખોટા છો કારણ કે આ વાસ્તવિકતા છે. જઈ હા, દિતલાના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈએ તેના ઘરમાં વાવેલા એકમાત્ર આંબાના ઝાડમાં એક સાથે 12 અલગ અલગ પ્રકારની કેરીઓ લાગેલી આજે પણ જોવા મળે છે. દેશી જાતની કેરીઓની સાચવણી, જાળવણી થાય અને નવી પેઢી આપણી આ પરંપરાગત જાતોને ભુલે નહીં તે માટે ઉકાભાઈ આ અદભુત આંબાનો નિભાવ કરી રહ્યા છે.
આંબો એક પરંતુ કેરી લાગે અલગ અલગ:
આજે આપણે એક એવા આંબા સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે કે જેનો દેખાવે એકદમ સામાન્ય છે, પરંતુ તેની વિશેષતા અસામાન્ય છે. દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈના ઘરમાં એક એવો વિશિષ્ટ આંબો છે, કે જેમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ નહીં પરંતુ 12 અલગ અલગ પ્રકારની કેરીઓ આખું વર્ષ લાગેલી જોવા મળે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુમાં અલગ અલગ કેરીઓ લાગેલી જોવા મળે છે.
આંબો કેરીનો જીવતો જાગતો આલ્બમ:
કેરીની સિઝનમાં આ વિશિષ્ટ આંબામાં એક સાથે 12 પ્રકારની કેરીઓ લાગેલી જોવા મળે છે. જેથી ઉકાભાઈનો આંબો કેરીના જીવતા જાગતા આલ્બમ રૂપે પણ વિશેષ બની રહે છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કોઈ પણ આંબામાં એક અથવા તો બે જાતની કેરી લાગતી હોય છે પરંતુ ઉકાભાઈની મહેનત અને આંબાની ખેતી પ્રત્યે તેમના લગાવને કારણે આજે તેમના ઘરના આંગણે ઉગેલો એક માત્ર આંબો આજે એક સાથે કેરીની 12 અલગ અલગ જાતો આપી રહ્યો છે.

દેશી જાતો વિલુપ્ત ન થાય તે માટે પ્રયાસ:
દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ પારંપરિક રીતે આંબાની ખેતી સાથે સંકળાયેલા છે. તેમની પોતાની માલિકીનો પણ એક મોટો બગીચો છે, જેમાં તેમણે કેસર કેરીનું વાવેતર કર્યું છે. પરંતુ તેમના ઘરના આંગણે ઉગેલો આંબો તેમણે વિશિષ્ટ બનાવ્યો છે. દેશી જાતની કેરીઓ વિલુપ્ત ન થાય અને આવનારી પેઢી આપણી દેશી જાતો પ્રત્યે સજાગ રહે, તેમજ તમામ પ્રકારની દેશી કેરીની જાતો સ્વયં જોઈ શકે તે માટે ઉકાભાઈ અલગ અલગ પ્રકારની દેશી કેરીની કલમ એક જ આંબા પર કરીને તેમાં 12 અલગ અલગ જાતની કેરી લેવામાં સફળ રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે, હજુ પણ તેઓ સતત પ્રયત્નશીલ છે. કોઈ જગ્યા પરથી દેશી આંબો મળી જાય તો તેઓ તેનું કલમ આંબા પર કરીને તેમાંથી વધુ કેટલીક દેશી જાતોને ઉત્પાદન એક જ આંબામાંથી કરી શકાય તે માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ વિશિષ્ટ આંબામાં 50 ગ્રામથી લઈને બે કિલો સુધીની મોટી કેરીઓ પણ લાગી રહી છે. આંબામાં જે કેરી દેખાઈ રહી છે તે કદ, વજન, કલર અને આકારમાં અલગ અલગ જોવા મળે છે. એક જ આંબામાં થયેલી કેરીનો સ્વાદ, સુગંધ અને તેનો કલર પણ અલગ અલગ હોય છે. જેથી આ આંબો વિશેષ બને છે.

આ પણ વાંચો: