જૂનાગઢ: જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમની હાલત અતિ દયનીય જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ગ્રાહક સુરક્ષા ફોરમ શરૂ કરવા પાછળનો ધ્યેય કોઈ પણ વ્યક્તિ જો તેમણે ખરીદેલી ચીજવસ્તુઓમાં છેતરપિંડીનો ભોગ બને તો તેને ન્યાય આપવા માટે વિશેષ ફોરમ બનાવવામાં આવ્યું હતું. જેમાં બે મહિનાની મર્યાદામાં ન્યાય આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જૂનાગઢ ફોરમમાં છેલ્લા બે વર્ષથી ગ્રાહકો ન્યાય માટે ઝંખી રહ્યા છે. અહીં ઘણા સમયથી અધિકારીઓની જગ્યા ખાલી છે જેને લઈને એડવોકેટ ધર્મિષ્ઠા જોશીએ તાકીદે સરકાર ગ્રાહક સુરક્ષા ફોરમ ન્યાય આપે તેવી માંગ કરી છે.
ગ્રાહક સુરક્ષા ફોરમ દયનીય હાલતમાં:
જૂનાગઢ જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ અતિ દયનીય હાલતમાં જોવા મળે છે. જૂનાગઢના એડવોકેટ ધર્મિષ્ઠા જોશીએ જૂનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમનું કોરમ તાકીદે પૂર્ણ કરવાની માંગ રાજ્યની સરકાર સમક્ષ કરી છે. જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાને સાંકળતી સૌથી મોટી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જજ અને અન્ય બે સભ્યોની જગ્યા ખાલી હોવાને કારણે પડતર કેસોની સંખ્યા વધી રહી છે. જે કેસો રજીસ્ટર થાય છે તેમાં સુનાવણી થતી નથી. જેથી ગ્રાહક સુરક્ષા ફોરમનો ધ્યેય મરી જતો હોવાને કારણે સરકાર તાકીદે જૂનાગઢ જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કોરમ પૂર્ણ કરે તેવી માંગ એડવોકેટ ધર્મિષ્ઠા જોશીએ કરી છે.
બે મહિનામાં ન્યાય પરંતુ બે વર્ષથી કેસો પડતર:
જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ સ્થાપના કરવા પાછળનો એક માત્ર ધ્યેય કોઈપણ ગ્રાહકને છેતરપિંડીના કિસ્સામાં બે મહિનામાં સંપૂર્ણ વળતર અને કેસનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ઘણા સમયથી જજની સાથે સભ્યોની નિમણૂક ન થતા બે મહિનામાં ન્યાય મળવાની આશા ધૂંધળી બની જાય છે.

છેલ્લા બે વર્ષથી અનેક કેસો ગ્રાહક સુરક્ષા ફોરમમાં રજીસ્ટર અને પડતર થયા છે. બે મહિનામાં ચુકાદો આવી જવો જોઈતો હતો, પરંતુ આજે બે વર્ષ બાદ પણ કેસોની સુનાવણી સુધ્ધા થતી નથી. જેની ચિંતા વ્યક્ત કરીને એડવોકેટ ધર્મિષ્ઠા જોશીએ તાકીદે ગ્રાહક સુરક્ષા ફોરમનું કોરમ પૂરું થાય તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: