જુનાગઢ: અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ પછાત એવા માલધારી લોકોને વસાહતોમાં પીવાના પાણીની તંગી ઊભી થઈ છે. જેને કારણે માલધારી મહિલાઓએ ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. મહિલાઓની પરેશાની સમજીને આગામી થોડા જ દિવસોમાં માલધારી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે તેવો ભરોસો ચીફ ઓફિસર એ રજૂઆત કરવા આવેલી મહિલાઓને આપ્યો હતો.
બગસરામાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં હજુ તો ઉનાળાની શરૂઆતનું પહેલું અઠવાડિયું છે. આ સમય દરમિયાન પીવાના પાણીની માંગ ઉઠવા પામી છે. બગસરા શહેરના પછાત એવા માલધારી વિસ્તારમાં પાછલા એક અઠવાડિયાથી પીવાના પાણીને લઈને મહિલાઓ પરેશાની ભોગવી રહી હતી. ત્યારે આજે માલધારી સમાજની કેટલીક મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને રૂબરૂ મળીને પાછલા એક અઠવાડિયાથી સર્જાઈ રહેલી પાણીની સમસ્યાને દૂર કરવાની માંગ કરી હતી. જે વિસ્તારમાં પાણીની તંગી છે, ત્યાં મોટેભાગે માલધારી સમાજની વસાહત છે. જ્યાં 1200 થી 1500 જેટલા વ્યક્તિઓ પરીવાર સાથે રહે છે. મહિલાઓની રજૂઆતને ધ્યાને રાખીને ચીફ ઓફિસરે આગામી થોડા જ દિવસોમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા થશે, તેવું આશ્વાસન રજૂઆત કરવા આવેલી મહિલાઓને આપ્યું હતું.
ખરાબ માર્ગેને કારણે પાણીની લાઈને તૂટે છે
પીવાના પાણીની રજૂઆત કરવા નગરપાલિકા પહોંચેલી મહિલાઓએ ચીફ ઓફિસરને જાણકારી આપી હતી કે, પાણીની તંગી ઊભી થઈ છે તેની પાછળ તેમના વિસ્તારમાં કોઈ પાકા રસ્તા ન હોવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે. અહીંથી અવારનવાર ભારે વાહનો પસાર થાય છે. પાકા રસ્તા ન હોવાને કારણે જમીનમાં દબાતા પીવાના પાણીની લાઈન અનેક વાર તૂટી જાય છે. જેથી આ વિસ્તારમાં પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવે છે આજે ચીફ ઓફિસરને રુબરુ મળીને મહિલાઓએ તેમના વિસ્તારમાં પાકી સડક બનાવવામાં આવે તો પીવાના પાણીની લાઈન તૂટવાની જે સમસ્યા છે. તેને કારણે મહિલાઓને પાણીથી વંચિત રહેવું પડે છે. તેમાંથી મુક્તિ મળી શકે છે. જેથી આ વિસ્તારમાં પાકી સડક બનાવવામાં આવે તો પાણીની સમસ્યા આપોઆપ દૂર થઈ શકે છે. તેવી રજૂઆત પણ ચીફ ઓફિસરને કરી હતી.
