જૂનાગઢ: આ વર્ષના ચોમાસાનો પ્રારંભ વાવાઝોડા સાથે થઈ શકે છે. આ પ્રકારનું પૂર્વાનુમાન એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વાતાવરણ વાદળછાયુ જોવા મળશે. જેને કારણે લોકોને ખૂબ જ અકળાવનારા ઉકળાટનો સામનો પણ કરવો પડી શકે છે તેમ છતાં મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.
હજુ પણ અસહ્ય ઊકળાટ સાથે ભેજવાળું વાતાવરણ
કમોસમી વરસાદનો ખતરો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તેવી જ રીતે ફરી એક વખત પ્રચંડ ગરમી અને ઉકળાટનો સામનો સૌ કોઈએ કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ભેજ અને સતત વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તડકો ઓછો હોવા છતાં પણ લોકોને ખૂબ જ અકળાવનારા ઉકળાટમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેની પાછળ ભેજ અને વાદળોને કારણભૂત માનવામાં આવી શક્યા છે. આગામી દિવસોમાં હજુ પણ બફારામાં વધારો થવાની સાથે ફરી એક વખત કમોસમી વરસાદ પડવાની શક્યતા નબળી પડતી જોવા મળી રહી છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ એક અઠવાડિયા વહેલું
આ વર્ષે ચોમાસાનો વિધિવત પ્રારંભ સામાન્ય દિવસો કરતા એક અઠવાડિયું વહેલું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે 15 મી જુન અને તેની આસપાસ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દેતું હોય છે. પરંતુ આ વર્ષે એક અઠવાડિયું વહેલુ ચોમાસું આવે તેવી શક્યતા પણ વધી રહી છે. હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસા પૂર્વેની અને ચોમાસાની કહી શકાય તેવી તમામ ગતિવિધિઓ જોવા મળી રહી છે. જેને કારણે ગુજરાતમાં વરસાદ વહેલો થાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. મે મહિનાના અંતિમ દિવસોમાં હવાનું હળવું દબાણ કેરાલા નજીક ઉદ્ભભવી શકે છે. જેને કારણે પણ ચોમાસુ વહેલું આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે
મે મહિનાના અંતિમ દિવસોમાં કેરાલા નજીક અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જવાની શક્યતા ઊભી થઈ છે. તે જૂન મહિનાની પહેલી તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન પણ થઈ શકે છે. જેને કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. જેથી આ વખતે ચોમાસાની શરૂઆત વાવાઝોડા સાથે થાય તો પણ નવાઈ નહીં તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. જેને કારણે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ 10 દિવસ વહેલું દસ્તક આપે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.

પ્રિમોન્સુન એક્ટિવિટી થશે શરૂ
ચોમાસાની શરૂઆત પૂર્વે અરબી સમુદ્રમાં મે મહિનાના અંતિમ અઠવાડિયામાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને કારણે સામાન્ય રીતે 15 જુનની આસપાસ ચોમાસુ બેસતું હોય છે. જે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેવી પણ શક્યતાઓ છે. જેને કારણે ખેડૂતોએ ચોમાસુ પાકો માટે ખેતી કાર્ય સંપૂર્ણ પણે પૂરા કરી દેવાની સલાહ પણ હવામાન વિભાગે આપી છે. ચોમાસા દરમિયાન વાવેતર કરવા માગતા ચોમાસું પાકોના બિયારણ ખાતર અને દવા સહિત ખેતરને ચોમાસું પાકો માટે તૈયાર રાખવાની ભલામણ પણ હવામાન વિભાગે કરી છે. તો મે મહિનાના અંત સુધીમાં ઉનાળુ પાકોને ખેતરમાંથી બજાર સુધી પહોંચાડવાની સલાહ પણ હવામાન વિભાગ આપી રહ્યું છે.
આ પણ વાંચો: