જુનાગઢ : જુનાગઢમાં છેલ્લા 60 વર્ષથી જેઠ મહિનાની અગિયારસના દિવસે ભવનાથના માલધારીઓ ગિરનારની દૂધધારા પરિક્રમા કરે છે. દુષ્કાળની સ્થિતિમાં ભવનાથના માલધારીઓ અને વન વિભાગના પૂર્વ કર્મચારી દ્વારા શરૂ કરવામાં આવેલી દૂધની ધારાઓ સાથેની ગીરનારની પરિક્રમા આજે પણ પરંપરાગત રીતે યથાવત જોવા મળે છે. આ વર્ષે મહારાષ્ટ્રથી આવેલા મહિલા પરિક્રમાથીઓ પણ દુધધારા પરિક્રમામાં જોડાયા હતા.
દૂધધારા પરિક્રમા અને માલધારીઓ સાથે જોડાયેલી પરંપરા : જેઠ મહિનાની અગિયારસના દિવસે ગિરનારની દૂધ ધારા પરિક્રમા આયોજિત થતી હોય છે. જેમાં ભવનાથના માલધારીઓ સમગ્ર પરિવાર સાથે દૂધધારા પરિક્રમામાં જોડાઈને વરુણદેવને રિઝવવા માટે પરિક્રમા કરતા હોવાનું માનવામાં આવે છે. આજથી ૬૦ વર્ષ પૂર્વે જ્યારે દુષ્કાળના સમયે ભવનાથના માલધારીઓ અને વન વિભાગના કેટલાક પૂર્વ કર્મચારીઓ દ્વારા ગિરનારની દૂધ ધારા પરિક્રમા શરૂ થઈ હોવાનો ઇતિહાસ જોવા મળે છે. ત્યારથી સતત દર વર્ષે જેઠ મહિનાની અગિયારસના દિવસે ગિરનારની ફરતે દૂધની ધારાઓ સાથે પરિક્રમા કરવાની એક પરંપરા સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવવા માટે શરૂ થઈ છે. જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. દૂધધારા પરિક્રમામાં મોટી સંખ્યામાં માલધારીઓની સાથે તેમના પરિવારજનો પણ જોડાતા હોય છે.
માલધારીઓ આજે સ્વયંભૂ જોડાઈ છે પરિક્રમામાં : ભવનાથના માલધારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી દૂધધારા પરિક્રમા દરમિયાન તમામ દૂધ ભવનાથના માલધારીઓ દ્વારા તેમના દુધાળા પશુઓમાંથી એકત્ર કરીને પરિક્રમા માટે ખાસ આપવામાં આવતુ હોય છે. આજના દિવસે તમામ માલધારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને દૂધધારા પરિક્રમામાં પરિવાર સાથે જોડાતા હોય છે. દૂધધારા પરિક્રમા સાથે જોડાયેલી માન્યતા અનુસાર આજના દિવસે ગિરનાર ફરતે દૂધની ધારાઓ વડે પરિક્રમા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સુખ શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થાય છે. વરૂણદેવ સૃષ્ટિના કલ્યાણ માટે પોતાની અમી ધારાઓ વર્ષાવે તે માટે વર્ષોથી ભવનાથના માલધારીઓ દૂધની ધારાઓ વડે ગિરનારની પાવનકારી પરિક્રમા કરતા હોય છે.
લીલી અને દૂધધારા પરિક્રમા એક રૂટ પર : કારતક મહિનાની અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણના સમયથી થતી આવતી પરંપરિક પરિક્રમાની માફક જ જેઠ મહિનાની અગિયારસના દિવસે થતી દૂધની ધારાઓ વડે પરિક્રમા પણ એક જ રૂટ પર થાય છે. 36 કિલોમીટરના ગિરનારના સમગ્ર પરિક્રમાના માર્ગ પર માલધારીઓ પોતાના ઘરેથી લાવેલા દૂધની ધારાઓ વડે ગિરનારની પરિક્રમા કરતા હોય છે. કારતક મહિનાની લીલી પરિક્રમામાં જે રીતે પાંચ પડાવવાનું મહત્વ છે તે જ રીતે દૂધધારા પરિક્રમામાં પણ પાંચ પડાવનું મહત્વ છે. ગિરનારથી શરૂ થઈ અને ભવનાથ મંદિરે લીલી પરિક્રમા પૂરી થતી હોય છે. તે જ રીતે દૂધધારા પરિક્રમા પણ ભગવાન ભવનાથ મહાદેવના ચરણોમાં સાંજે વિરામ લેતી હોય છે.
મરાઠી લોકો પણ જોડાયા : ગિરનાર તપોભૂમિમાં મરાઠી પરિવારો પણ ખૂબ જ આસ્થા ધરાવે છે. ગિરનાર પર બિરાજતા ગુરુદત્ત મહારાજને તેઓ પોતાના ઈષ્ટદેવ માને છે. જેથી અગિયારસ અને પૂનમના દિવસે પણ મરાઠી પરિવારો મોટા પ્રમાણમાં ગિરનાર આવતા હોય છે. પુનાથી આવેલા કેટલાક મહિલા શ્રદ્ધાળુઓ પણ પોતાના જીવનમાં પ્રથમ વખત દૂધધારા પરિક્રમામાં સામેલ થઈને પરિક્રમાનો લાભ લીધો હતો. આ પ્રકારે ગિરનારની દુધધારા પરિક્રમા જે રીતે જુનાગઢમાં થાય છે તે રીતે અન્ય કોઈ જગ્યા પર આ પ્રકારની પરંપરા સાથે પરિક્રમા થતી નથી. જેથી દૂધધારા પરિક્રમા અન્ય પરિક્રમાઓ કરતા પણ અલગ અને વિશેષ બની રહે છે. જેથી શ્રદ્ધાળુઓની આસ્થા ગિરનાર પ્રત્યે દર વર્ષે વધતી જાય છે.
આ પણ વાંચો :