જૂનાગઢ: રામામંડળ આ શબ્દ સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિ અને એક એક ગામમાં ખૂબ જ પરિચિત જોવા મળે છે. રામામંડળની વ્યવસ્થા 16મી સદીમાં અસ્તિત્વમાં આવી હોવાની લોકવાર્તા છે. રામામંડળ એટલે લોક સંસ્કૃતિ ધર્મ સાથે જોડાયેલા પ્રસંગ અને લોક જાગૃતિ માટે લોકોના મનોરંજન અને માહિતી માટે રજૂ કરવામાં આવતું નાટક. આમ ધર્મ, સમાજ, જીવન અને શિક્ષણ સાથે જોડાયેલી ઘટનાને ઉજાગર કરતું નાટક રામામંડળ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. સમયને અનુરૂપ રામામંડળના પહેરવેશ અને તેની રજૂ કરવાની પદ્ધતિમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ 16 મી સદીની આ લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી પરંપરા આજે 21મી સદીમાં પણ સતત જળવાયેલી જોવા મળી રહી છે.
16મી સદીની લોક સંસ્કૃતિ એટલે રામામંડળ: રામામંડળ આ શબ્દ આજે પણ સૌરાષ્ટ્રના પ્રત્યેક ગામ અને લોકોના હોઠે રમતો જોવા મળે છે. તેની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે, સોળમી સદીમાં લોક સંસ્કૃતિના રક્ષણ માટે શરૂ થયેલી રામામંડળની રજૂઆત આજે 21મી સદીમાં પણ અકબંધ જોવા મળે છે. જ્યારે લોક સંસ્કૃતિના ઉત્સવ અને વિવિધ ધાર્મિક સામાજિક જાગૃતિ માટે સ્થાનિક કલાકારો દ્વારા ટીમ બનાવીને કોઈ એક ઘટના કે વિષય પર રાત્રિના સમયે રજૂ કરવામાં આવતું રામામંડળ આજે 21 મી સદીમાં પહેરવેશના બદલાવ સાથે એ જ પુરાણી 16મી સદીની પરંપરાને સતત આગળ વધારી રહ્યું છે. જ્યારે ધાર્મિક, સામાજિક અને અન્ય ક્ષેત્રે લોકોને મનોરંજન કે શિક્ષિત કરવા માટેના કોઈ સબળ માધ્યમો ન હતા. આવા સમયે રામામંડળની ઉત્પત્તિ થઈ હશે તેવું માની શકાય.
રામામંડળનો દબદબો આજે પણ: ચૈત્ર અને વૈશાખ મહિનાના સમયને રામામંડળના આયોજન માટે એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગામડાઓમાં થતા ધાર્મિક આયોજનમાં રામામંડળ અચૂકપણે સામેલ કરવામાં આવે છે, તેની પાછળનું એક કારણ એ પણ છે કે આ સમય દરમિયાન આયોજિત થતા રામદેવપીરના મંડપમાં સર્વે જ્ઞાતિના લોકો સામેલ થતા હોય છે તેને ધ્યાને રાખીને લોક સંસ્કૃતિ, લોક પરંપરા અને ધર્મની સાથે સામાજિક રીતે લોકોને શિક્ષિત કરી શકાય તેવા સબળ માધ્યમ તરીકે રામામંડળનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. રામામંડળમાં વિવિધ સમસ્યા ધર્મને લગતી બાબતો અને સમાજ જીવનમાં જોવા મળતી અવ્યવસ્થાને નાટકના રૂપમાં રજૂ કરીને લોકો શ્રેષ્ઠ સમાજ જીવનની રચના કરે તે માટે પણ ખાસ રામામંડળનું આયોજન થતું હોય છે.

સંગીત અને નૃત્યનો અનોખો સમન્વય: રામામંડળને સંગીત અને નૃત્યના અનોખા સમન્વય રૂપે પણ જોવામાં આવે છે. રામામંડળની સૌથી મોટી ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, તેમાં ભજવવામાં આવતા પાત્રો તમામ પુરુષ કલાકારો દ્વારા ભજવવામાં આવે છે. 16 મી સદીથી લઈને અત્યાર સુધી રામામંડળના કોઈપણ પાત્રને ભજવવા માટે મહિલા કલાકાર કે વ્યક્તિની પસંદગી થતી નથી. વધુમાં રામામંડળમાં જે ગીત સંગીત અને સંવાદો બોલવામાં આવે છે તે પણ જે-તે સ્થાનિક કલાકારો દ્વારા સ્વયમ તૈયાર કરીને તેમના દ્વારા લોકબોલીમાં જ બોલવામાં આવે છે.


રામામંડળ આધુનિક સંગીતના વાધ્યો સાથે આજે પણ તર્ક સંગત નથી. જેમાં ઢોલ, શરણાઈ અને પખાવજનો ઉપયોગ રામામંડળની ટીમમાં સામેલ થયેલા કલાકારો જ કરીને આખી રાત ચાલનારા આ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રસંગમાં સામેલ થાય છે. સનાતન ધર્મની પરંપરા અને 16મી સદીમાં જે રીતે રામામંડળ ની ઉત્પતિ થઈ હશે તે સંગીત અને નૃત્યનો વિકાસ થાય અને સૌથી છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે કરવામાં આવ્યો હશે.


ત્રણ પ્રકારના રામામંડળ હતા અસ્તિત્વમાં: 16 મી સદીમાં જ્યારે રામામંડળનો ઉદભવ થયો હતો, ત્યારે ગીત, નૃત્ય અને વાધ્યોના સથવારે રજૂ કરવામાં આવતા રામામંડળ અસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ આજે આધુનિક યુગમાં ગીત, નૃત્ય અને વાધ્યોના ત્રિવેણી સંગમ થકી રામામંડળ રજૂ કરવામાં આવે છે. આજે રજુ થતું રામામંડળ 16મી સદીમાં જે રીતે લોક નૃત્ય અને સંગીત નૃત્યની શૈલીઓ પર આધારિત હતું તે જ પ્રમાણે આજે પણ સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ પ્રસંગોની રજૂઆત કરવામાં આવતી હોય છે. જેમાં મોટે ભાગે ધર્મ અને રાજા રજવાડાઓને લગતા પાત્ર અને પ્રસંગોને ભજવવામાં આવે છે.


રામામંડળ આજે પણ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. જેને કારણે જ વર્ષ દરમિયાન રામામંડળના અનેક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. રામામંડળની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે સંઘર્ષ અને તેમના જીવન સાથે જોડાયેલી સારી કે નરસી વાતોને નાટકના રૂપમાં રજૂ કરીને લોકોને જાગૃત અને સૂચિત કરવામાં પણ રામામંડળ આટલું જ મહત્વનો ભાગ ભજવે છે.

આ પણ વાંચો: