જુનાગઢ: આવતીકાલે એટલે કે, 11 એપ્રિલ 2025 ગુરુવારના રોજ જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને જામનગરની સોલાર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા બેરોજગાર યુવાનો માટે ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11:00 કલાકે જિલ્લા રોજગાર કચેરી ખાતે નોકરી મેળવવા માંગતા બેરોજગાર યુવાનોએ અભ્યાસ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે સ્વયમ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
બેરોજગારો માટે રોજગારીનો અવસર
જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી સરદાર બાગ ખાતે યુવા બેરોજગારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તેમના અભ્યાસ અને ટેકનિકલ કામના પ્રમાણપત્ર અને અનુભવના આધાર સાથે સ્વયં પોતાના ખર્ચે જિલ્લા રોજગાર કચેરી સરદાર બાગ બહુમાળી ભવન પર આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરની સોલાર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા મશીન ઓપરેટર પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં લાયકાત અને અનુભવના આધારે બેરોજગારોને ખાનગી નોકરી મળવાની શક્યતાઓ ઊભી થઈ છે.

ITI,ડિપ્લોમા અને ડિગ્રી ધારકોને પ્રાધાન્ય
જામનગરની સોલાર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા મશીન ઓપરેટરના પદ પર ભરતી કરવામાં આવશે, જેમાં ડિપ્લોમા, આઈ.ટી.આઈ અને ડિગ્રી સહિત અનુભવના પ્રમાણને ધ્યાને રાખીને કંપની દ્વારા ભરતી મેળાના સમયે હાજર રહેલા કંપનીના અધિકારીઓ દ્વારા નોકરી ઈચ્છુક ઉમેદવારોને સાંભળી અને તેમના અભ્યાસક્રમની સાથે ટેકનિકલ ક્ષેત્રમાં કઈ રીતે કામ કરી શકે તેવા તમામ પાસાઓને ધ્યાને રાખીને 20 થી 29 વર્ષના યુવાનોને પસંદ કરવા માટેનું આયોજન થયું છે.

વર્તમાન સમયમાં સોલાર પેનલને લઈને તેનો ઉપયોગ વધતો જાય છે, જેથી સોલાર મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી જામનગરની આ કંપનીમાં મશીન ઓપરેટરની જગ્યા પર ભરતી કરવી પણ અનિવાર્ય બનતી હોય છે, જેથી આ ખાસ ભરતી મેળાનું આયોજન કરાયું છે.