જૂનાગઢ: ગઈ કાલે મોટા કોટડા ખાતે કોંગ્રેસનું અનુસૂચિત જાતિનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દલિત, આદિવાસી, મુસ્લિમ, બક્ષીપંચ અને અન્ય જ્ઞાતિના લોકો પ્રત્યે ભાજપ અને આમ આદમી પાર્ટીને કોઈ સહાનુભૂતિ નથી તેવો આરોપ લગાવ્યો હતો. ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના પ્રદેશ પ્રવક્તા શૈલેષ પરમારે જીગ્નેશ મેવાણીના આરોપને પાયાથી નકાર્યો હતો.
મેવાણીના આરોપ બાદ ભાજપ અને આપની પ્રતિક્રિયા:
ગઈ કાલે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા મોટા કોટડા ગામમાં કોંગ્રેસે અનુસૂચિત જાતિનું મહાસંમેલન બોલાવ્યું હતું. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશ મેવાણીએ સભામાં આમ આદમી પાર્ટી અને ભાજપને ખૂબ જ આડેહાથ લીધી હતી. સંમેલન પૂર્ણ થયા બાદ જીગ્નેશ મેવાણીએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને આમ આદમી પાર્ટી દલિતો, આદિવાસી, બક્ષીપંચ, લઘુમતિ અને કચડાયેલા તેમજ દબાયેલા વર્ગો માટે ક્યારેય અવાજ ઉઠાવતી નથી. દલિતો અને આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારોની સામે બંને પાર્ટીઓ માત્ર મુક પ્રેક્ષક બનીને રહી જાય છે તેવો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપને ભાજપ અને આમ આદમીની પાર્ટીએ પાયાથી નકારીને જીગ્નેશ મેવાણી પોતાની પાર્ટીમાં એકલા પડી ગયા હોવાનો સવાલ જીગ્નેશ મેવાણી સામે ઊભો કર્યો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યો પ્રતિભાવ:
જીગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું તેના પ્રતિભાવ રૂપે આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણીએ જે નિવેદન કોટડાની સભામાં આપ્યું છે તે બિલકુલ અયોગ્ય અને ખોટું છે. પંજાબ અને દિલ્હીમાં આમદની પાર્ટીની સરકાર બનતાની સાથે જ મુખ્યપ્રધાનની સાથે અન્ય પ્રધાનોની ઓફિસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહના ભીંત ચિત્રો રાખવાની એક પરંપરા શરૂ કરી હતી. જે ડૉક્ટર આંબેડકરને પાર્ટી કેટલું મહત્વ આપે છે તે સિદ્ધ કરે છે. પરંતુ ભાજપે દિલ્હી અને પંજાબમાં સત્તામાં આવ્યા બાદ ડૉક્ટર આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા દીવાલ પરથી ઉતારી લીધા છે.

ભાજપ પ્રવક્તા શૈલેષ પરમારનો પ્રતિભાવ:
જીગ્નેશ મેવાણીના નિવેદન પર આજે પ્રદેશ ભાજપના પ્રવક્તા શૈલેષ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ઈટીવી ભારતને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણી પોતે પાર્ટીમાં એકલા પડી ગયા છે. તેની પાર્ટીમાં તેમનું કોઈ મહત્વ નથી. વધુમાં જીગ્નેશ મેવાણી આ રીતે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજ પ્રત્યે જે નિવેદનો આપે છે તેની પાછળની તેમની ભાવના ભાજપ સાથે જોડાયેલા સમાજના લોકોને ઉશ્કેરવાની છે. ભાજપ આજે પણ ડૉ. આંબેડકરના સિદ્ધાંતો અને સંવિધાન પર ચાલી રહી છે. ડૉક્ટર આંબેડકર દ્વારા જે દલિત અને પછાત વર્ગના લોકોના ઉત્થાન માટે કામનું સૂચન કર્યું હતું તેવા તમામ કાર્યો ભાજપની સરકારો કરી રહી છે. આમ, જીગ્નેશ મેવાણી આવા નિવેદનો કરીને દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગની સહાનુભૂતિ મેળવવા માટે હવાતીયા મારી રહ્યા હોવાનો આક્ષેપ પણ શૈલેષ પરમારે કર્યો હતો.

આ પણ વાંચો: