રાજકોટ : પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું રિવરસાઈડ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે. આ કેસમાં બે સગીર વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઊભો થયો હતો. બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, મામલો બિચકતા બંને સમાજના આગેવાનોએ સર્વે સમાજની મિટિંગ યોજી હતી, તેનું શું પરિણામ આવ્યું જુઓ...
ગોંડલ પાટીદાર અને ક્ષત્રિય વિવાદનો અંત !
પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આખરે જાડેજા પરિવારની મધ્યસ્થીથી સુલેહ-શાંતિનો માર્ગ નીકળ્યો છે. ગોંડલના રિવરસાઈડ પેલેસ ખાતે પાટીદાર અને ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ બંને સમાજ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર થઈ છે. આ સમાધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહ્યા હતા.
જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું...
આ બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "દરેક સમાજનો આભાર માનું છું. ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે કોઈએ કંઈ બાકી રાખ્યું નથી. રાજકોટ અને ગોંડલ વચ્ચે એટલો વિકાસ થયો છે કે, હવે કોઈ જગ્યા ખાલી નથી. આજે અઢારેય આલમ અહીંયા છે ત્યારે કહેવા માંગુ છું કે, આક્ષેપના જવાબ દેવા યોગ્ય નથી. હંમેશા ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે સૌ ભેગા મળીને તેનો જવાબ આપીશું."
પૂર્વ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ સખીયાએ જણાવ્યું કે, "ગોંડલમાં જાણતા અજાણતા જે પણ ઘટના બની, તેનું સુખદ સમાધાન થઈ ગયું છે. પાટીદાર અને ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને સમાધાન કર્યું છે. અમુક તત્વોએ ગોંડલનું વાતાવરણ ડહોળવાનું કામ કર્યું હતું. ગોંડલ બહારના લોકો પણ ગોંડલની શાંતિ ડોહળાય તેવું કામ કરી રહ્યા છે. કોંગ્રેસના મિત્રો વાતાવરણ ડહોળવાનો પ્રયત્નો કરી રહ્યા છે. ગોંડલમાં જે શાંતિ છે તે જયરાજસિંહના કારણે છે. જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે તે લોકો ગોંડલની તાસીરથી અજાણ છે."
"માફી માંગવી અને માફી આપવી, બંને મોટી વાત છે."
હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "મિર્ઝા એટલે તેના બે અર્થ થાય છે, જેમાં મિર્ઝા એટલે પૈસાવાળા લોકો, જે રાજકુમારની જેમ રહેતા હોય તે. વેબ સીરીઝ પ્રમાણે તેનો બીજો અર્થ કરવામાં આવે તે યોગ્ય નથી. ગમે ત્યાં પથ્થરની ઠેસ વાગે તો પણ નામ જયરાજભાઈનું આવે એવું ન હોય. માફી માંગવી અને માફી આપવી બંને મોટી વાત છે."
કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "જે બનાવને હાઇલાઇટ કરવામાં આવ્યો તે બંને પરિવાર એકબીજાને ઓળખતા નથી, એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી. જે લોકો જયરાજસિંહ સુધી પહોંચી શકતા નથી, તે લોકો આવું કરે છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ અણબનાવ નથી. પટેલ સમાજ અન્ય સમાજને રાહ ચીંધે છે."
"અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે" : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે, "પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે, અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની સીટ માટે આવું કરે છે. અહીંયા લડવા જેને આવવું હોય તે આવી જાય અમે અહીંયા જ છીએ."
"અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. અહીંયા અઢારે વર્ણના લોકો ભેગા થઈને રહે છે. અહીંયા જે પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મતભેદ ઉભા કરવાના પ્રયત્નો કર્યા છે તે લોકોને જાહેરમાં હું કહું છું કે અહીંયા તમામ લોકો એક છે."
"પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવાના સપના પૂરા નહીં થાય" : ગણેશ ગોંડલ
ગોંડલ નાગરિક બેંક વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જણાવ્યું કે, "છેલ્લા ચાર-પાંચ દિવસ થયા જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો ગોંડલને અલગ નજરથી જોઈ રહ્યા છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધી રહ્યા છે, એવા આવારા તત્વો અને ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારેય વર્ણના લોકો તરફથી અને ગોંડલના યુવાન તરીકે જવાબ આપું છું કે, ગોંડલ ગોકુળિયું છે. સર ભગવતસિંહજીનું ગોંડલ છે."
"ગોંડલમાં તમામ સમાજના લોકો અને અઢારે વર્ણના લોકો એક થઈને રહે છે અને ભવિષ્યમાં પણ ગોંડલમાં કોઈપણ જ્ઞાતિ જાતના વાડાઓ છે નહીં હોય. ગોંડલે ભૂતકાળમાં ગોંડલ ટીમ તરીકે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ પટેલ સમાજના લોકો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ણના એક સાથે મજબૂતાઈથી રહેવાના છે."
"500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પૂરા નહીં થાય. વિશેષ વાત તો એ કે, આ બંને પક્ષ વચ્ચે સામે સામે જે કેસ થયેલ છે એનું પણ આવનારા સમયમાં હાઇકોર્ટમાં સુખદ સમાધાન થઈને યોગ્ય રસ્તો અપનાવવામાં આવશે."