જામનગર: જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા હંમેશા વિવાદમાં રહે છે. કારણ કે અહીં અરજદારોની લાંબી કથાઓ અને કતારો જોવા મળતી હોય છે અને અવારનવાર અહીં રકજક થતી રહેતી હોવાની ઘટનાઓ બને છે. ત્યારે આજ રોજ સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા સહુ નાગરિકો પરેશાન થઈ ગયા હતા. મામલો ગરમાતા વિપક્ષી કોર્પોરેટર પણ પહોંચ્યા હતા. તેમણે પણ આ મામલે નારાજગી દર્શાવી સત્તા પક્ષની કામગીરી પર રોષ ઠાલવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ જન્મ અને મરણના દાખલા કાઢવાની બારી પર બેસી સમગ્ર મુદ્દે ઉહાપો મચાવ્યો હતો. સર્વર ધીમું હોવા અને લોકોના કામ કરવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારી સામે આક્ષેપ કર્યો છે. બહાર લાઇનો લાગી હોવા છતાં તંત્રની ઢીલી નીતિને પગલે લોકો જન્મ મરણના દાખલા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં વહેલી સવારથી લોકો જન્મમરણના દાખલામાં સુધારા કરવા માટે આવી જતા હોય છે અને લાંબી કતારોમાં જોવા મળતા હોય છે. જોકે આજરોજ સરવર ડાઉન હોવાનું કહી કર્મચારીઓ અન્ય જગ્યાએ જતા રહેતા નગરસેવિકાએ હોબાળો મચાવ્યો હતો.
જોકે અરજદારોને અહીં ધર્મના ધકાકા ખાવા પડે છે. ત્યારે નગરસેવિકા રચના નંદાણીયાએ હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે કામગીરી કરવાની માગ કરી હતી. જોકે આ મામલામાં કોર્પોરેશનના આ વિભાગ તરફથી હજુ કોઈ આધિકારીક સ્પષ્ટતા સામે આવી નથી. જો વિભાગ પોતાનો પક્ષ રજુ કરે છે તો તે અહીં દર્શાવાશે.