નવસારી: મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. દરમિયાન અડચણરૂપ આવતા લારી-ગલ્લાને પાલિકાની ટીમે જપ્ત કર્યા છે.
નવસારી શહેરમાં નાના અને સાંકડા રોડ રસ્તાઓથી ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે હેતુથી રોડ આજુબાજુના દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકના ભારણ ઓછું કરવા અને દબાણ દૂર કરવા માટે અલગ-અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં બે દિવસ અગાઉ શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં મુખ્ય રસ્તાની આજુબાજુના સ્થાનિકોના કરેલા દબાણને દૂર કરવા માટે નવસારી પ્રાંત અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓ જાતે દબાણ વાળા વિસ્તારોમાં જઈ લોકોને દબાણ દૂર કરવા માટેની સૂચનાઓ આપી હતી.

ત્યારે આજે સવારે શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી શાંતાદેવી વિસ્તારમાં આવેલા ગાંધી કારખાના વિસ્તારના રોડ પર દબાણ યુક્ત લારી ગલ્લા અને બાંકડાઓના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

એસ્ટેટ ઇન્સ્પેક્ટર જગદીશ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આસપાસના સોસાયટીમાં રહેતા રહીશોની ફરિયાદના સંદર્ભમાં લારીગલ્લા વાળા અને બાંકડા વાળાઓને બે દિવસ પહેલા અમે સૂચનાઓ આપી હતી, પરંતુ તેઓ દ્વારા દબાણ દૂર ના કરાતા આખરે ડેપ્યુટી કમિશનરની સૂચનાને આધારે અમે આ પોલીસ વિભાગને સાથે રાખી દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી જેમાં પાંચથી સાત લાડીગલાં અને બાંકડાઓના દબાણ દૂર કરવામાં આવ્યા છે.