ભુજ: કચ્છમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ગુનેગારો સામે તંત્રની કાર્યવાહી યથાવત રહી છે. સીનોગ્રા ગામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આરોપીએ પોતાના અંગત ફાયદા માટે સિનોગ્રા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર પોતાના રહેવા અને ગુનાખોરી કરવા મકાન બનાવ્યું હતું. આ આરોપી NDPSના વિવિધ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.
આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ યથાવત રાખી છે, અને તેમના દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાયેલ દબાણો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સિનોગ્રા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર વારંવાર માદક પદાર્થોના ગુના આચરેલા આ આરોપી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું.

સિનોગ્રામા આરોપીના ગેરકાદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લાના અસમાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. DGP વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં તમામ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવુતિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓનુ લીસ્ટ તૈયાર કરવા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી હતી, જેના ભાગ રૂપે પૂર્વ કચ્છના સિનોગ્રા NDPSના ગુના સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી દ્વારા સરકારી જમીન પર પોતાના રહેવા માટે ઊભો કરવામાં આવેલ મકાન કે જે બિન અધિકૃત બાંધકામ છે અને આ મકાનમાં આરોપી વારંવાર એનડીપીએસ સંબંધી જુના આચરતો હતો.