અમદાવાદ: કોરોના વાયરસનો કહેર ફરી એકવાર શરૂ થઈ ગયું છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓરિસા અને કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે દેખરેખ અને સાવચેતીના પગલા વધુ તેજ બનાવ્યા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના સંભવિત કેસોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
આ મુદ્દે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પણ દર્દી કોવિડ પોઝિટિવના અત્યાર સુધી દાખલ થયા નથી. એટલે લોકોને ચિંતા બિલકુલ કરવાની જ નથી. અત્યારે સતર્કતા રાખવાની જરૂર છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 20000 લીટરની ઓક્સિજન ટેન્ક પણ આવેલી છે. તમામ દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે. આના પહેલા જ્યારે કોરોના વાયરસ હતો ત્યારે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓની સારવાર યોગ્ય રીતે કરવામાં આવી હતી. હવે ફરીથી કોરોના આવ્યો છે ત્યારે દર્દી આવે તેને યોગ્ય સારવાર મળી રહેશે. લોકોને કોરોનાથી અગાઉની જેમ સાવચેતીએ રાખવાની છે.
તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ પાસે 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક, 650 થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અને મલ્ટીપલ બી અને ડી ટાઇપના બાટલાની સુવિધા છે. આ ઉપરાંત જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અનુભવી ડોક્ટરોની ટીમ પણ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ખડે પગે છે. કોઈપણ દર્દી આવે એને પહોંચી વળવા માટે અમારી પૂરી તૈયારી છે.
તેમણે લોકોને કોરોનાથી સાવચેતી રાખવા માટે પણ અનુરોધ કર્યો છે. તેમણે ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોને ભીડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવાની સલાહ આપી છે. આ ઉપરાંત માસ્ક પહેરો અને વારંવાર હાથ ધોવા જેવી સામાન્ય સાવચેતીનું પાલન કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: