રાજકોટ: કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે બાઈક સામ-સામે અથડાયા હતા. આ અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર તેમજ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર રાજગઢ ખાંડાધાર રોડ પર સામ-સામે આવી રહેલા બે બાઈકચાલકો સામ-સામે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક ટક્કરમાં રામોદ ગામના 24 વર્ષીય રોહિત દીપકભાઈ રાઠોડ તેમજ મૂળ રામપર નવાગામના 28 વર્ષીય કરણ કમલેશભાઈ દિવેચા નામના બે યુવકોના કમકમાટીભર્યા મોત થયા છે.
મૃતક રોહિત રાઠોડ તેમની સાથે કામ કરતા 23 વર્ષીય કિશન રસિકભાઈ પડારીયા સાથે શક્તિમાન કંપનીમાંથી નોકરી પૂરી કરી મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મૃતક કરણ તેમની દીકરી અને બહેનને રામ પર નવાગામ ઘરે મૂકીને રાજકોટ તરફ પરત ફરી રહ્યો હતો. કરણને સંતાનમાં એક દીકરી છે અને પોતે છૂટક કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે મૃતક રોહિત છેલ્લાં એક વર્ષથી શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો અને તેને પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓ તેમજ એક બહેન છે, જેમાં તે પોતે સૌથી નાનો હતો.
ઘટના અંગેની જાણ થતા કોટડા સાંગાણી પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ ખાતે તેમજ અકસ્માતના સ્થળ પર દોડી ગયો હતો જ્યાં હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારો તેમજ સ્નેહીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મૃતકના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.