જુનાગઢ: ચૈત્ર સુદ નોમથી માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પ્રસંગનો પાંચ દિવસનો ભાતીગળ લોક મેળો શરૂ થઈ રહ્યો છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની સાથે આસપાસમાં આવેલા અને જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થયા હતા તે સ્થળની સાથે આસપાસમાં આવેલા બીજા અનેક ધાર્મિક સ્થળો ખૂબ જ મહત્વ ધરાવે છે.
ભગવાન માધવરાયના મંદિરની વિશેષતા
માધવપુરમાં આવેલું માધવરાયનું મંદિર 13મી સદીનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના શિલ્પો કલા કારીગીરી અને શિખર ગર્ભા દ્વારના ગોખલાઓ 13 મી સદીના સ્થાપત્ય કલાના બાંધકામનો એક ઉત્તમ નમૂનો જોવા મળે છે. મંદિરની અંદર સ્વયં માધવરાયજીની સાથે ત્રિકમ રાયજીની પૂરા કદની પ્રતિમા બિરાજમાન આપે છે. વર્ષ 1799માં મંદિરની જગ્યા પર હવેલી બંધાતા હવે ત્રિકમરાજી અને માધવરાયજીની પૂજા વૈશ્ર્ણવ પરંપરા મુજબ કરવામાં આવી રહી છે. લોકમાન્યતા અનુસાર સૌરાષ્ટ્રના બહારવટિયા મુળુ માણેક અને જોધા માણેક અહીં ભગવાન માધવરાય પર ધજારોહણ કરી ગયા છે. આ પણ એક લોક વાયકા માધવરાયના મંદિર સાથે જોડાયેલી છે. પોરબંદરના રાજમાતા રૂપાળી બાએ વર્ષ 1896માં માધવરાયજીના મંદિરની એકદમ નજીક હવેલી બંધાવી આપેલી છે.

બળદેવજીના માંડવાનો પણ ઉલ્લેખ
માધવપુરમાં જે રીતે માધવરાય મંદિરનો ઇતિહાસ છે, તેવી જ રીતે બળદેવજીના માંડવાનો પણ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે, ત્રેતા યુગમાં રેવત નામનો રાજા રાજ કરતા હતા, રાજા રેવતે બ્રહ્માજીના ઉપદેશથી તેમની પુત્રી રેવતીને બલદેવજી ને સોંપી ગિરનાર પર તપસ્યા કરવા માટે આવ્યા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતી કુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ માધવપુરની પૂર્વ દિશાએ સમુદ્ર કિનારે જોવા મળે છે. આ સ્થાન આજે ચોબારી તરીકે વિશ્વવિખ્યાત છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર રેવતી કુંડમાં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિને 10 યજ્ઞ કર્યા બરોબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે, જેના કારણે પણ રેવતી કુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે.

બ્રહ્મકુંડમાં સ્નાનથી પાપનો થાય છે નાશ
માધવપુર ગામમાં બ્રહ્મકુંડ પણ આવેલો છે, જેનું પણ ખૂબ ધાર્મિક મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના ડેરાઓ પણ આજે જોવા મળે છે. પુરાણની એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પાંચ પાંડવો સાથે બ્રહ્મકુંડ આવ્યા હતા અને અહીં તેમણે સ્નાન કર્યું હતું. જે કુંડની અંદર બ્રહ્માનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યાં એક નાગ દમનનું શિલ્પ પણ જોવા મળે છે, બ્રહ્મકુંડમાં ગરુડજી અને વરાહ તેમજ શિવ પાર્વતીની જુગલજોડીના અતિ પૌરાણિક શિલ્પો પણ દર્શન આપી રહ્યા છે. બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. તેવી પણ શ્રદ્ધા લોકોમાં આજે જોવા મળે છે

કપિલ મુનિની ઐતિહાસિક ડેરી
માધવપુરમાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ થયા હતા તેની આસપાસ કપિલ મુનિની ડેરી પણ જોવા મળે છે, જે પ્રાચીન હોવાની સાથે એક સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત નોંધવામાં આવી છે. વર્ષો પહેલા પંખ નામનું કોઈ એક યાયાવર પક્ષી દૂર સમુદ્ર પરથી ઉડીને આ ડેરી પર બેસતુ હતુ. ગામ લોકોએ આ પક્ષીને માધવરાય મંદિરમાં દર્શન કરવા માટે લઈ જવામાં આવતુ હતુ. દૂર દેશાવરથી આવેલું પક્ષી આખો દિવસ માધવરાયના દર્શન કરીને બીજા દિવસે મંગળા આરતી પૂર્ણ થયા બાદ માધવરાય સમક્ષ પોતાના જીવનો ત્યાગ કરતુ હતું, જે પોરબંદરના મહારાણા ભાવસિંહજીએ વર્ષ 1958માં તેમના સ્વયમ નયનો એ જોયેલી આ ઘટનાને પોરબંદરના રાજ દરબારના ચોપડે નોંધવામાં પણ આવી છે.

જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયા તે મધુવન
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનું સાક્ષી બનેલું મધુવન પણ ઐતિહાસિક સ્થળ છે, આજથી 5200 વર્ષ પૂર્વે અહીના વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો, જેનો ભગવાન શ્રીકૃષ્ણએ વધ કરીને આ જમીનને દૈત્ય થી મુક્ત કરાવી હતી, જેથી તેના નામ પરથી આજે આ સ્થળને મધુવન નામથી સૌ કોઈ માધવરાયના લગ્ન પ્રસંગની જગ્યા તરીકે ઓળખે છે.

લગ્ન થયા તે સ્થળ ચોરી માયરા
જે સ્થળ પર ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ગૌધુલીક સમયે થયા હતા તે સ્થાન 'ચોરી માયરા' ના નામે આજે પણ ઓળખાય છે. જ્યાં આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પારંપરિક પ્રસંગ આદિ અનાદિ કાળથી ઉજવાતો રહ્યો છે.
ગદાવાવ પણ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ
ભગવાન શ્રી કૃષ્ણએ મધુ દૈત્યનો સંહાર કરીને આ વાવમાં પોતાની ગદા સ્વચ્છ કરી હતી, જેથી ભગવાન શ્રીકૃષ્ણની ગદા સ્વચ્છ કરનાર આ વાવને ત્યારબાદ ગદાવાવ તરીકે ઓળખવામાં આવે છે, આ વાવને પાણીયારી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમાં પણ શેષશાયી અને શિવના ઉત્તમ શિલ્પ કલાઓ પણ કંડારવામાં આવી છે.
આ સિવાય અનેક સ્થળો
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી ના લગ્ન પ્રસંગ થયા હતા તે સ્થળે નીલકંઠ મહાદેવ, તારાપુરી આશ્રમ, મહાપ્રભુજી ની બેઠક, મહારાણી નો મઠ, શામળદાસ મહંત નો મઠ,ચામુંડા માતાની ટેકરી, નાગબાઈ ની જગ્યા, ગણેશ જાળુ, રામદેવજી અને વિષ્ણુ મંદિર રન્નાદે સૂર્યમંદિર,ખાખનાથ ની જગ્યા,દાડમો દેવ, લોએજ,મધુવંતી સંગમ ની સાથે બળેજ વેજડી અને મંગી વાવ જેવા ધાર્મિક સ્થળો પણ ખૂબ જ ઐતિહાસિક ધરોહર અને મહત્વ ધરાવે છે.