જૂનાગઢ: જિલ્લાના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ ફરી હવામાન અંગે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 29મી મેથી લઈને 2જી જૂન સુધી આ સમય દરમિયાન ખૂબ જ ભારે બફારા સાથેની ગરમી અને બપોર બાદ બરફના કરા સાથે ધોધમાર મંડાણી વરસાદ પડવાની શક્યતા છે. મગફળી, સોયાબીન અને તુવેરના પાકોમાં ખેડૂતોને લાભ કરાવવાની સાથે હાથીયા નક્ષત્રમાં ખૂબ ધોધમાર વરસાદ પડવાનો પુર્વાનુમાન પણ રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યુ છે.
29 મેથી 2જી જૂન સુધી કરા સાથે વરસાદ અને આકરી ગરમીનું પુર્વાનુમાન:
29મી મે, ગુરુવારથી લઈને 2જી જૂન સોમવાર સુધી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રચંડ ગરમીની સાથે બફારો અને બપોર બાદ બરફના કરા સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાનો પુર્વાનુમાન દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યું છે. આ દિવસો દરમિયાન આકરી ગરમી અને બફારા બાદ બપોરના સમયે ધોધમાર મંડાણી વરસાદ થશે.
આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળી, તુવેર અને સોયાબીનના પાકને ખૂબ સારો ફાયદો રહેવાની સાથે કપાસના પાકમાં ગરમી અને વરસાદને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ વધવાથી કપાસમાં ઓછું ઉત્પાદન થવાની શક્યતાઓ પણ રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. આ વખતનું ચોમાસુ ખૂબ લાંબુ ચાલે તેવા કુદરતમાંથી સંકેતો પણ પ્રાપ્ત થયા છે.
જુલાઈ મહિનામાં તમામ ડેમો છલકાવાની શક્યતા:
રમણીકભાઈ વામજાએ વરસાદને લઈને વધુ કેટલીક આગાહીઓ કરી છે. તે મુજબ જુલાઈ મહિનામાં મોટાભાગના ડેમો વરસાદી પાણીથી છલકાઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. વધુમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જામનગર પંથકમાં નોંધાય તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ચોમાસા દરમિયાન સાપ અને વીંછી કરડવાના બનાવવામાં વધારો નોંધાશે અને સાથે સાથે અવકાશી વીજળીથી નાના દુધાળા પશુઓ જેવા કે ઘેટાં બકરાને મોટું નુકસાન થવાની સાથે સારા ચોમાસા બાદ ખૂબ સારા શિયાળુ પાકની શક્યતા છે.

ત્રણ તબક્કામાં થશે વાવણી:
ચોમાસાની ઋતુમાં વાવણીને લઈને પણ રમણીકભાઈ વામજાએ તેમનું પુર્વાનુમાન વ્યક્ત કર્યું છે. તે મુજબ આ વખતના ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થશે. જેમાં પ્રથમ તબક્કામાં 6ઠ્ઠી જુનથી 8મી જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં વાવણી થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેવી જ રીતે બીજા તબ્બકામાં 20 જૂનથી 23 જૂન સુધીમાં 20 ટકા વાવેતર વિસ્તારમાં ચોમાસું પાકોનું વાવેતર થઈ શકે છે. અંતિમ અને ત્રીજા તબક્કાનું વાવણી કાર્ય 28 જૂનથી 30મી જૂન સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસું પાકોનું વાવણી કાર્ય પૂર્ણ થશે.
આ પણ વાંચો: