અમદાવાદ: ચોમાસા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થયું છે નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે 7 દિવસ પહેલા આગમન થયું છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટની આગાહી છે. તદુપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવે છે.
વૈજ્ઞાનિક ડૉક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે .આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ રાજ્યમાં 35-50 કિમી પ્રતિ કલાકની રહેશે.
મહત્વની બાબત એ છે કે, ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂન આસપાસ શરૂ થશે. જેમાં 16 વર્ષ બાદ ચોમાસાનું વહેલું આગમન થયું છે. આ પહેલા વર્ષ 2009માં 23 મે એ ચોમાસું વહેલું બેઠું હતું.
આ પણ વાંચો: