ભરૂચઃ ભરૂચ જિલ્લામાં વધતી ગરમીને પગલે લૂ લાગવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં તાપમાન 43 ડિગ્રી સે. પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
તહેવારો પૂરા થતાં જ ભરૂચમાં જાણે સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉનાળાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે અને સૂર્યદેવતાના કડક પ્રકોપને કારણે જિલ્લામાં ગરમીનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં તાપમાન 43 ડિગ્રી સે. પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લામાં વધતી ગરમીને પગલે લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં પેટ દુખાવા, માથું દુખાવું, ઝાડા-ઉલટી, ચક્કર આવવી તેમજ તાવ જેવા ગરમીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
તબીબોની ચેતવણી અને સલાહ
ડૉ. દીપા થડાણી, એમ.ડી. મેડિસિન, ડૉ. કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભરૂચના જણાવ્યા મુજબ, લૂ અથવા હીટસ્ટ્રોક ખૂબ ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. તાપમાન ઝડપથી વધતા ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો માટે ગંભીર અસરકારક બની શકે છે.
તેમણે જાહેરને આગાહી સાથે સલાહ આપી છે કે:
- શકય હોય ત્યાં સુધી બિનજરૂરી કામ માટે ઘરના બહાર ન નીકળવું.
- બહાર જવું જ પડે તો સુતરાઉ, ઢીલા કપડાં પહેરવા.
- હાથ, માથું, ચહેરો વગેરેને તડકાથી બચાવવા કાપડનો ઉપયોગ કરવો.
- સતત પાણી પીતા રહેવું અને શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી.
- લીંબુ પાણી, છાસ, તાજાં ફળોના રસ જેવી પ્રવાહી વસ્તુઓ વધારે પ્રમાણમાં લેવાં.
- ઉઘાડા બજારના ખોરાક, વાસી ભોજન કે બરફીલાં પદાર્થ ટાળવા.
- ઘરમાં પણ તાજી હવા, ઠંડક અને આરામ આપતી વ્યવસ્થા જાળવવી.
શહેરમાં સતર્કતા
શહેરના આરોગ્ય વિભાગે પણ લોકોને તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની સૂચના આપી છે અને ગરમીથી બચવાના ઉપાયો વિશે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે.