મનિષ ડોડિયા, જુનાગઢ: ચૈત્રી નવરાત્રી હવે બસ અંતિમ દિવસ તરફ આગળ વધી રહી છે આવા સમયે ગિરનાર પર્વત પર બિરાજમાન 51 શક્તિપીઠ પૈકી ઉદયન શક્તિપીઠ તરીકે પૂજાતા માં અંબાના દરબારમાં આજે હવન અષ્ટમીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે આહુતિ આપવામાં આવી હતી. આજે હવન અષ્ટમીને લઈને ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા અને દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
હવન અષ્ટમીને લઈને ગિરનાર પર થયો યજ્ઞ
ચૈત્રી નવરાત્રી હવે તેના અંતિમ દિવસ તરફ આગળ વધી રહી છે ત્યારે નવરાત્રિના નવ દિવસો દરમિયાન હવન અષ્ટમીના દિવસે શક્તિ સ્વરૂપા માં જગદંબાના સ્થાનોમાં યજ્ઞ અને તેમાં આહુતિ આપવાનો પણ ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રીને અનુષ્ઠાન અને આરાધના ના પર્વ તરીકે પણ સનાતન ધર્મમાં ઓળખવામાં આવે છે ત્યારે 51 શક્તિપીઠ પૈકી ગિરનાર પર્વત પર બિરાજી રહેલા ઉદયન શક્તિપીઠ તરીકે જાણીતા માં અંબાના દરબારમાં આજે હવન અષ્ટમીના પાવન દિવસે યજ્ઞનું આયોજન કરીને તેમાં વિશ્વ કલ્યાણની ભાવના સાથે આહુતિઓ આપવામાં આવી હતી. જેમાં મા અંબાના દર્શને આવેલા માઈ ભક્તો પણ સામેલ થયા હતા.
ચૈત્રી નવરાત્રીમાં યજ્ઞનું મહત્વ
ચૈત્રી નવરાત્રીમાં યજ્ઞનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે ત્યારે આજના દિવસે આયોજિત થનારા યજ્ઞમાં આહુતિ આપનાર અને યજ્ઞના દર્શન કરનાર પ્રત્યેક વ્યક્તિની મનોકામના મા જગદંબા પૂરી કરતા હોવાની પણ એક વિશેષ માન્યતા છે તેને લઈને પણ ખાસ હવન અષ્ટમીના દિવસે મા અંબાના ચરણોમાં માઇ ભક્તો વિશેષ દર્શન કરવા માટે આવતા હોય છે ચૈત્રી નવરાત્રી ને અનુષ્ઠાન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે નવરાત્રીમાં અનુષ્ઠાન બાદ કરવામાં આવેલા યજ્ઞને પણ વિશેષ પુણ્યશાળી માનવામાં આવે છે જેથી હવન અષ્ટમીના દિવસે પ્રત્યેક માઈ દરબારમાં અને જે જગ્યા પર કોઈ પણ માઈ ભક્ત દ્વારા ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન અને જગદંબાની આરાધના કરવામાં આવતી હોય છે આવા તમામ સ્થળોએ આજે હવન અષ્ટમીના દિવસે યજ્ઞ નું આયોજન કરીને તેમાં આહુતિઓ પણ આપવામાં આવતી હોય છે.

