ખેડા: જીલ્લાના મહુધાના ચુણેલ ગામે પ્રસિદ્ધ શ્રી ચુણેલા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મોટી પ્રાચીન પાષાણ મુર્તિ છે. જેની ગણના હનુમાનજીની મુખ્ય પાંચ મોટી મુર્તિઓમાં થાય છે. અહી દર્શન કરવાથી મનોકામના પૂરી થતી હોવાની માન્યતાને લઈ લોકો દૂરદૂરથી દર્શને આવે છે. મંદિરમાં હનુમાન જયંતિ, કાળી ચૌદશ સહિતના તહેવારોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.
સ્વયંભૂ મૂર્તિ આવેલી છે: મંદિરમાં હનુમાનજીની સ્વયંભૂ મોટી મૂર્તિ આવેલી છે. એવી માન્યતા છે કે, પ્રાચીન સમયે આ મૂર્તિ સ્વયં પ્રકટ થઈ હતી. જ્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. જે ભાવિકોમાં ચુણેલા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. પાંચ શનિવાર કરી મંદિરે હનુમાન દાદાના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, જેને લઈ ભાવિકો પાંચ શનિવારની માનતા રાખે છે. એવું પણ કહેવાય છે કે, તે દરમિયાન દાદા ભાવિકની પરીક્ષા પણ કરે છે.
હનુમાન જયંતિની ઉજવણી: આ મંદિરમાં મંગળવાર અને શનિવાર મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. મહિનાના પ્રથમ મંગળવારે મંદિરે ભંડારો યોજાય છે. ભાવપૂર્વક મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદ ગ્રહણ કરે છે. હનુમાનજી મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણનું પણ મંદિર આવેલું છે. પ્રાચીન સમયમાં અહીં મંદિરમાં ભારતી વિદ્યાલય નામે પાઠશાળા પણ ચાલતી હતી. આ મંદિરમાં કાળી ચૌદશ અને હનુમાન જયંતિની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે મારૂતિ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાય છે.

આ બાબતે મંદિરના મહંત રાજકુમારદાસજીએ જણાવ્યું હતું કે, આ મંદિર સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે. અહીં ખૂબ મોટો મહિમા છે મંગળવારનો અને શનિવારનો. જે ભક્ત આવે છે તેની મનોકામના પુરી થાય છે. એટલો મહિમા છે કે, દેશ વિદેશથી ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે. આ સ્વયંભૂ મૂર્તિ છે, જે હનુમાનજીના પાંચ મુખ્ય મંદિરોમાં આ મોટી મૂર્તિ છે, જેની મહિમા અપાર છે જેને શબ્દોમાં વ્યક્તિ ન કરી શકીએ.

દર્શનાર્થી જૂહીએ જણાવ્યું હતું કે, ગામમાં હનુમાન દાદાનું પ્રાચીન અને વર્ષો જુનુ મંદિર છે. અહીંયા લોકો પોતાની મનોકામનાઓ લઈને આવે છે, જે દરેકની મનોકામના પુરી થાય છે. હનુમાન જયંતિ સહિતના તહેવારોએ લોકો દૂરથી દર્શન કરવા આવે છે. હનુમાન દાદાની કૃપા બધા પર સારી છે.
આ પણ વાંચો: