જુનાગઢ: હનુમાન જયંતિ 12 એપ્રિલ એટલે કે, આવતી કાલે શનિવારના રોજ ઉજવવામાં આવશે. હનુમાન જયંતિના પાવન પર્વ પર હનુમાનના ભક્તો દ્વારા હનુમાન જયંતીની વિશેષ પ્રકારે ઉજવણી થતી હોય છે, ત્યારે જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી રહેતા બી કે પરમાર નામના વ્યક્તિ અનોખી રીતે હનુમાન પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.
હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ બી કે પરમાર દ્વારા મોઢેથી વગાડવામાં આવતા વાજામાં હનુમાન ચાલીસા વગાડીને હનુમાનજી મહારાજ પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા પ્રગટ કરી છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હનુમાન ચાલીસાનું પઠન કોઈ પણ સમયે કરતા હોય છે, પરંતુ હનુમાન પ્રાગટ્ય દિવસે અને તે પણ માઉથ ઓર્ગનથી એકદમ સૂર લય અને તાલમાં હનુમાન ચાલીસા વગાડીને બીકે પરમારે પોતાની હનુમાન પ્રત્યેની શ્રદ્ધાને સંગીતના માધ્યમથી પ્રગટ કરી છે.
બી કે પરમાર માઉથ ઓર્ગન પર હનુમાન ચાલીસાની સાથે સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે જોડાયેલા અનેક ગીતો પણ વગાડી શકે છે. પાછલા 20 વર્ષથી તેઓ સતત માઉથ ઓર્ગન વગાડતા જોવા મળે છે, જેમાં તેઓ ધર્મની સાથે ધાર્મિક પ્રસંગોને અનુરૂપ ગીતો અને ધુન જુના ચલચિત્રના ગીતોની સાથે કોઈપણ વ્યક્તિની પસંદગી અનુસારનું ગીત તેમને કહેવામાં આવે તો બિલકુલ સુર લય અને તાલમાં માઉથ ઓર્ગનથી ગીતો વગાડીને પણ લોકોનું મનોરંજન કરે છે.
દરરોજ ભવનાથ વિસ્તારમાં આવીને પ્રવાસન તેમજ ધાર્મિક સ્થાનો માટે આવતા પ્રવાસીઓને આ જ પ્રકારે માઉથ ઓર્ગન વગાડીને બિલકુલ વિનામૂલ્યે મનોરંજન પીરસી રહ્યા છે, ત્યારે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ લંબે હનુમાન સ્થિત મંદિરમાં બી કે પરમારે માઉથ ઓર્ગનમાં હનુમાન ચાલીસા વગાડીને હનુમાનજી પ્રત્યેની તેમની શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: