હૈદરાબાદ: રાજ્યમાં વાતાવરણમાં અવાર નવાર પલટો આવતો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ હતી. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે રાજ્યમાં હીટવેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ હવે ફરી હવામાન બદલાતા ભારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, એટલું જ નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની માહિતી અનુસાર, આગામી દિવસ રાજ્યમાં ગરમીને લઈને કપરા સાબિત થઈ શકે છે. કારણ કે હવામાન વિભાગના ડેટા અનુસાર, આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છવાસીઓ સાવચેત રહેજો: આજ રોજ તેમજ આગામી 5 દિવસ એટલે કે 9 એપ્રિલ સુધી રાજ્યમાં કચ્છમાં ભારે ગરમી પાડવાની સંભાવના છે. પરિણામે અહીં હિટવેવ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
પોરબંદરવાસીઓ સાવચેત રહેજો: 3 એપ્રિલ તેમજ 4 અને 5 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આમ આ ત્રણ દિવસ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઓરેન્જ એલર્ટનો અર્થ એ થાય છે કે, તીવ્ર ગરમીની ચેતવણી તેમજ આવનારા વાતાવરણ પલટા માટે તૈયાર રહો. ઉપરાંત ઓરેન્જ એલર્ટ જાહેર કરનાર જિલ્લામાં તીવ્ર ગરમીનું મોજું 2 દિવસ સુધી ચાલુ રહે છે જો ગરમી વધી તો મોજું 4 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે.

ઓરેન્જ એલર્ટની વિપરીત અસર: ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ વિસ્તારો કે જિલ્લામાં જો વ્યક્તિ લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહે અથવા સૂર્યના તડકામાં ભારે કામ કરતા લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. બાળકો, વૃદ્ધો, ક્રોનિક રોગો ધરાવતા લોકો જેવા સંવેદનશીલ લોકો માટે આ તાપમાન આરોગ્યવર્ધક ચિંતા ઊભી કરી શકે છે.
આ ત્રણ જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ: 5 એપ્રિલ બાદ ગરમીનું મોજું રાજ્યના અન્ય જિલ્લામાં પણ વળશે તેવી શક્યતા છે. જેમાં 6, 7, 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર સહિત રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આમ, હિટવેવ એલર્ટ સમય જતાં અન્ય બીજા પણ જિલ્લામાં થઈ શકે તો નવાઈ નહીં.
યેલો એલર્ટથી પણ સાવચેતી: 3, 4 અને 5 એપ્રિલના રોજ જૂનાગઢ, અને રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 6, 7, 8 અને 9 એપ્રિલના રોજ જૂનાગઢ, પોરબંદર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 3, 2025
આ સાવધાનીના પગલાં ધ્યાનમાં રાખજો: ભારે ગરમીની સ્થિતિમાં નીચે દર્શાવેલા અમુક પગલા ધ્યાનમાં રાખવામાં આવે તો ગરમીની ખરાબ અસરથી પોતાને બચાવી શકાય છે તેમજ ગરમીથી રાહત મેળવી શકાય છે.
- જો જરૂર ન હોય તો ગરમીમાં બહાર નીકળવાનું કે ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.
- પોતાને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરો અને ડિહાઇડ્રેશન ટાળો.
- તરસ ન હોય તો પણ પૂરતું પાણી પીવો.
- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, તોરણી (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરો.
- કોટનના કાપડ પહેરો.
- બહાર નીકળતી વખતે છત્રી કે માથે ઢાંકી શકાય તે પ્રકારના સ્કાર્ફ કે સાધનોનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: