અમદાવાદ : તાજેતરમાં જ હોળીની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને સબક શીખવ્યો હતો. જોકે, આ બાદ ગુજરાત પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. DGP વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વિભાગ અને પોલીસ કમિશનરને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાતના ગુનેગારોની યાદી તૈયાર : ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ તમામ ગુનેગારોની ગુનાહિત પ્રોફાઈલ તૈયાર કરીને કાયદાનો પાઠ ભણાવવાનું કામ ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. જેમાં પાસા અને તડીપાર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એકશનમાં જોવા મળશે.
વસ્ત્રાલ આતંકના બનાવના પડઘા : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અંગત અદાવતને કારણે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન અસામાજિક તત્વોએ સામાન્ય લોકોને પણ માર મારી આતંક મચાવ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરતા સાત આરોપીઓના ગેરકાયદેસર મકાનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ અને પોલીસની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. હવે વિવિધ મેટ્રો શહેર સહિત વિવિધ જિલ્લામાં ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે.
7612 ગુનેગારોની યાદી તૈયાર : ઉલ્લેખીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 15 માર્ચ, શનિવારે બપોરે ત્રણ વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પોલીસ કમિશનર અને રેન્જ IG સાથે બેઠક યોજી હતી. ત્યારે તમામને 100 કલાકનો સમય આપી પોતપોતાના જિલ્લામાં ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. જેમાં બુધવારે સાંજે 07:00 વાગ્યા DGPએ આપેલ સમય પૂરો થાય ત્યાં સુધીમાં 7,612 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે.
સુરત શહેરના ગુનેગારોની યાદી : સુરત પોલીસે તૈયાર કરેલી 400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ગુનેગાર સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરભરમાં અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે સુરત પોલીસે યાદી તૈયાર કરી છે. આગામી દિવસોમાં તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા. સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગારીયા, DCP પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ ભાંગરવાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ગુનેગારોની યાદી : રાજકોટ શહેરમાં 756 આરોપીઓની યાદી તૈયાર કરીને રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આની સાથે વડોદરા પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવે છે અને 825 ગુનેગારોની યાદી બહાર પાડવામાં આવી છે. વડોદરા શહેરના ગુનેગારોની યાદી તૈયાર થતા જ વહીવટી તંત્રએ ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.