પરેશ દવે, અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો 66 નગર પાલિકા પૈકી 62 નગર પાલિકા ભાજપે તો કોંગ્રેસે એકલા હાથે એક જ નગર પાલિકા જીતી છે. શું છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામની મહત્વના નિરીક્ષણના મુદ્દા જાઈએ.
ભાજપનો વિજય કોંગ્રેસની નિષ્ક્રીયતા દર્શાવે છે
રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નોંધાયો છે. રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના માંગરોળ નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસે જીતી છે, જ્યાં ભાજપની સદંતર હાર થઈ છે. રાજ્યમાં ઓબીસી અનામતના અમલ બાદ પહેલી ચૂંટણીમાં ભાજપના ઓબીસી કાર્ડ, વિકાસ કાર્ય અને સંગઠન શક્તિ થકી પોતાનો દબદબો ભાજપે જાળવી રાખ્યો છે. ભાજપના આ વિજયથી બજેટ સત્રમાં ભાજપ સરકારનો ઉત્સાહ બમણો જોવા મળશે. કોંગ્રસથી અડધી બેઠકો અપક્ષો જીત્યા છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની સરખામણીએ કોંગ્રેસ સદંતર નિષ્ક્રિય સાબિત થઈ છે. કોંગ્રેસ પાસે નગરપાલિકાઓમાં એન્ટી ઇન્કમ્બન્સી હતી. પણ કોંગ્રેસ પાસે જીતની જીજીવિષા અને આમ આદમી પાર્ટી જેવી તત્પરતાનો અભાવ હતો.
27 ટકા ઓબીસી અનામત કોંગ્રેસની માંગ હતી, જેનો લાભ ભાજપને પ્રથમ ચૂંટણીમાં જ મળ્યો
રાજ્યની 27 ટકા ઓબીસી અનામત સાથેની પહેલી ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત હોવી જોઇએ એ માંગ સાથે આંદોલન કર્યું હતું. આ બાબતે રાજ્ય સરકારે ઝવેરી પંચના અહેવાલને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં ઓબીસી માટે 27ટકા અનામત જાહેર કરી. કોંગ્રેસે આરંભેલુ આંદોલન અને કોંગ્રેસની માંગ થકી 27 ટકા ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મળ્યું. પણ કોંગ્રેસમાં જૂથબંધીના કારણે કોંગ્રેસ કરતાં ભાજપને આ બાબતનો લાભ મળ્યો એમ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ જણાવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો કરતાં તેના પ્રત્યાઘાતો અગામી સમયમાં માધ્યમોની હેડલાઈન બનશે- જગદીશ મહેતા
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ જણાવ્યું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો કરતાં, પરિણામોના પ્રત્યાઘાતો અગામી સમયમાં માધ્યમોમાં હેડલાઈન બનશે એવું રાજકીય ચિત્ર ઉપસતુ જાય છે. આ ચૂંટણીમાં 46 ટકા મતદારોએ ઉમેદવારોને નકાર્યા છે. આ પરિણામ દર્શાવે છે કે, દરેક પક્ષના કમિટેડ મતદારોએ વિકાસના પ્રશ્નો, મોંઘવારી અને અસંતોષની કોઈ પણ ફરિયાદ હોય છતાં પક્ષની વિચારધારાના કારણે કમિટેડ મતદાન કર્યું છે. ચૂંટણીમાં ન્યૂટ્રલ મતદારોએ મતદાન કર્યું નથી.
તેમણે કહ્યું કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો જૂનાગઢને લોકો ખાડાગઢ તરીકે ઓળખે છે. ત્યાં 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ બની અને બાકીની 52 બેઠકો પૈકી 48 બેઠકો ભાજપે જીતી એ દર્શાવે છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના કમીટેડ વોટ વિજયના કારણ બન્યા છે. કોંગ્રેસે પક્ષ શિથિલ અવસ્થામાં જોવા મળ્યો. દિલ્લીમાં કારમી હાર છતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાની જીજીવિષાના કારણે ભાજપ સામે ઉત્સાહથી ચૂંટણી લડ્યા. જેના કારણે આપની ચૂંટણીમાં હાજરી વર્તાઈ હતી. કોંગ્રેસ પાસે આમ આદમી પાર્ટીની જીજીવિષા અને ભાજપના કમિટમેન્ટ જેવી કોઈ વાત ન હતી. સલાયા નગર પાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે.
ભાજપે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે, હાલ તેઓ નિર્વિકલ્પથી જીતે છે. ભાજપ હાલ ઓર્ગેનાઈઝ્ડ પોલિટીક્સ રમે છે. જૂનાગઢમાં ડેપ્યુટી મેયર તરીકે વર્ષોથી દબદબો ધરાવતા ગીરીશ કોટેયાના પુત્ર પાર્થ કોટેચા હાર્યા એ દર્શાવે છે કે સ્થાનિકોને પાર્થ કોટેચા સામે રોષ ન હતો, પક્ષ સામે રોષ હતો. ગીરીશ કોટેચા એક રીતે તો જૂનાગઢમાં ભાજપનું સરનામું છે. કુતિયાણામાં ભાજપે રાજકીય કુનેહ વાપરી છે. જેમાં સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે. ભાજપના ઢેલીબેન ઓડેદરા સામે સપાના કાંધલ જાડેજા ઉતર્યા. ભાજપે ઢેલીબેન ઓડેદરાના પરિવારને 10 બેઠકો પર ટિકિટ આપી હતી. કાંધલ જાડેજા જીત્યા એટલે ઢેલીબેન ઓડેદરાના એક ચક્રી શાસનનો અંત થયો છે. રાજકોટના જેતપુરમાં જયેશ રાદડિયાના ખાસ સુરેશ સખરેલીયાનો વિજય થતા રાજકીય રીતે વધુ સશકત બન્યા છે. હવે પ્રશાંત કોરાટનું રાજકીય વજન ઓછું થશે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો કરતાં તેના પ્રત્યાઘાતો વધુ ચર્ચામાં રહેશે.
માંગરોળ અને ડાકોર રોમાંચક વિજય, દરેક પક્ષને સત્તા માટે મળી તક
પરિણામ દિવસે રાજ્યની સૌથી ચર્ચામાં રહેલી માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને 15 - 15 બેઠકો પ્રાપ્ત થઈ અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ને ચાર બેઠકો પ્રાપ્ત થતા માંગરોળ નગરપાલિકામાં બસપા કિંગ મેકર બનશે. ખેડાની ડાકોર નગરપાલિકામાં ભાજપ સામે અપક્ષ સબળ પુરવાર થયા છે. ડાકોર નગરપાલિકાની 28 બેઠકો પૈકી 14 ભાજપને તો અન્ય 14 બેઠક અપક્ષોને ફાળે ગઈ છે.
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. જે હકીકતે કાંધલ જાડેજાનો વિજય વધુ અને સમાજવાદી પાર્ટીની જીત ઓછી કહેવાય. પોરબંદરના કુતિયાળામાં કાંઘલ જાડેજાનું રાજકીય પ્રભુત્વ યથાવત રહ્યું છે. જેના કારણે કુતિયાણા ખાતે ઠેલીબેનના રાજકીય દબદબો પૂર્ણ થયો છે. કુતિયાણા નગર પાલિકાની 24 બેઠકો પૈકી 14 બેઠકો સમાજવાદી પાર્ટીને મળી છે. વર્ષ - 1995થી કુતિયાણા નગર પાલિકાના પ્રમુખ તરીકેનો હતા અને આજના સમાજવાદી પાર્ટીના વિજયથી ઢેલીબેન ઓડેદરાનો 30 વર્ષ જૂનો રાજકીય દબદબાનો અંત થયો છે.
આ પણ વાંચો: