અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર એક અજાણીય વ્યક્તિ ઈમેલ કર્યો છે. જેના પગલે પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે, પોલીસે ગંભીરતાના પગલા ભરતા હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કર્યું હતું. ડૉગ સ્કવૉડ અને બોમ્બ સ્કવૉડ દ્વારા હાઇકોર્ટમાં ચેકિંગ કરવામાં પણ આવ્યું.
આ મામલે અમદાવાદ ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સવારે 11:30ની આસપાસ ગુજરાત હાઇકોર્ટને ધમકી ભર્યો મેલ મળ્યો છે. જેની જાણ થતા કલેક્ટર અને પોલીસ કમિશનર હાઈકોર્ટની મુલાકાતે પહોંચ્યા હતાં અને આ અંગે એક મીટીંગ યોજી હતી. જે અંતર્ગત ઇન્વેસ્ટેશન શરૂ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઈમેલ કરનારની તપાસ કરાઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની જાણ થતા જ બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઇકોર્ટમાં પહોંચી છે. ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર પાંચ હાઇકોર્ટના સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો છે.
આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત વકીલોને પણ કોર્ટ છોડવા સૂચના અપાઈ છે. હાલમાં સિક્યુરિટી ચેકિંગ ચાલી રહી છે. અરજદારો, લોકો, વકીલો અને હાઇકોર્ટની સુરક્ષા માટે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે કરીશું તેમ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું.