અમરેલી: 14મી એપ્રીલના રોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી, ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને નેતા ડૉ.ભરત કાનાબારે દલિત અસ્મિતાના દંભ પર આકરા પ્રહારો કર્યા છે આઝાદીના 78 વર્ષ પછી પણ આ કડવી વાસ્તવિકતાને ડો ભરત કાનાબારે રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત ગણાવી છે.
દલિત અસ્મિતાની વાતો માત્ર પ્રસંગો પૂરતી
14મી એપ્રીલના રોજ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવી, સમગ્ર રાષ્ટ્રમાં ડૉ. આંબેડકરને યાદ કરીને તેમના જન્મદિવસ પ્રસંગે સમગ્ર ભારતમાં ડો આંબેડકરના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે, આ વચ્ચે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દિગજ નેતા ડો ભરત કાનાબારે દલિત અસ્મિતાના દંભ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે. આઝાદીના 78 વર્ષ પછી પણ દલિત અસ્મિતાનો દંભ સમગ્ર રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત ગણાવીને માત્ર પ્રસંગો પૂરતા ડો.આંબેડકરને યાદ કરનાર લોકો પર આકરા પ્રહારો કર્યા હતા

આજે પણ દલિતો પ્રત્યે રખાય છે ઓરમાયુ વર્તન
ડો ભરત કાનાબારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટના માધ્યમથી દલિતોની વાસ્તવિક સ્થિતિ અને આંબેડકર જયંતિએ વ્યક્ત કરવામાં આવી રહેલા દંભ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. એક્સ પર ડો. કાનાબારે સ્પષ્ટ લખ્યું કે 'દલિતોના રહેઠાણો શહેર કે ગામની બહારના અલ્પ વિકસિત વિસ્તારોમાં જોવા મળે છે, ડો.કાનાબાર માને છે કે સવર્ણો અને બિન દલિતોની કોલોની અને સોસાયટીઓમાં કોઈ દલિતને મકાન ભાડે કે વેચાતું મળતું નથી, ત્યાં સુધી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આપણે ગમે તેટલા ફુલહાર કરીએ તેમાં નર્યા દંભ અને બનાવટથી વિશેષ કશું જોવા મળતું નથી'
ડૉ.કાનાબાર અનેક પ્રસંગોએ આકરા નિવેદન માટે જાણીતા
ડો. ભારત કાનાબાર તમામ વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે જે અન્યાયો અથવા તો યોગ્ય માન સન્માન મળતું નથી તેવા બનાવોને લઈને પોતાનો વિરોધ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અનેક વાર કરી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે ડોક્ટર આંબેડકર જયંતિ હતી એટલે તેમણે દલિતોના મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને દંભની રાજનીતિ કરનારા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા. થોડા દિવસ પૂર્વે ડો.ભરત કાનાબારે બુલડોઝરની નીતિને પણ અયોગ્ય ગણાવી હતી. આજ પ્રકારે અનેક કિસ્સાઓમાં ડો ભરત કાનાબારે પાર્ટી લાઈનથી ઉપર ઊઠીને એક વ્યક્તિ તરીકે પોતાના પ્રતિભાવો દેશના વડાપ્રધાન અને ગૃહ મંત્રીની સાથે પ્રદેશ અને રાષ્ટ્રના સંગઠનના પ્રભારીઓને પણ કરી ચૂક્યા છે.