ખેડા: ગુજરાત એટીએસ દ્વારા ખેડા જીલ્લાના નડીયાદથી જસીમ અંસારી નામના સાયબર આતંકીને તેના સગીર સાગરિત સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. દેશ વિરોધી માનસિકતા ધરાવતો હોઈ સરકારી વેબસાઈટોને ટાર્ગેટ કરતો હોવાનો તેના પર આરોપ છે. જેને લઈ તેની વિરૂદ્ધ આઈટી એક્ટ અને સાયબર ટેરરિઝમ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે એટીએસ દ્વારા વધુ તપાસને લઈ રિમાન્ડ માટે જસીમને નડીયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા એટીએસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જસીમ અંસારી ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખ્યો હતો. તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વેબ સાઈટને નિશાન બનાવતો હતો. તેણે ટેલિગ્રામ પર Anonsec નામથી ગ્રુપ બનાવ્યું હતું.
સરકારી વેબસાઈટો પર હુમલો કરવાનો આરોપ
એપ્રિલ-મે માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પચાસ જેટલી વેબસાઈટને ટાર્ગેટ બનાવી હતી. જે વેબસાઈટને તેઓ હેક કરતા તેને ચેક પણ કરતા હતા. જે બાદ સાઈટ ડાઉન થઈ ગઈ છે તેના પુરાવા પણ તેમના ગ્રુપમાં મુકતા હતા. ડીફેન્સ, ફાયનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ તેમજ રાજ્ય સરકારની વિવિધ વેબસાઈટોને નિશાન બનાવી હતી. સરકારી સાઈટને હેક કર્યા બાદ તે ગ્રુપમાં તેના પુરાવા મૂકતો અને ભારત વિરોધી લખાણ લખતો હતો.
આ બાબત આરોપીઓ જાતે ઓનલાઈન શીખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આમાં તેમને અન્ય કોઈ રીતે સહાય મળી હોય તો તે બાબતે તપાસ કરાઈ રહી છે. હાલના તબક્કે દેશ વિરોધી માનસિકતાને લઈ આ પ્રકારના કૃત્યો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. તપાસમાં છેલ્લા છ-આઠ મહિનાથી આ પ્રવૃત્તિ કરતા હોવાની પણ વિગતો મળી છે. આઈટી એક્ટ અને સાયબર ટેરરિઝમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઓનલાઈન હેકિંગ શીખ્યો
આરોપી જસીમ અંસારી નડિયાદના મજુર ગામ વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા નડિયાદમાં ગેરેજ ચલાવે છે. હાલ તે અભ્યાસ કરી રહ્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં દેશ વિરોધી માનસિકતા ધરાવતો હોઈ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખી આ પ્રવૃતિ કરતો હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: