જૂનાગઢ : હાલમાં જ વિસાવદર, ભેસાણ, બીલખા અને જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવતી ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી મોકૂફ રાખવો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ અનુસાર વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને રાખીને ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખીને વિસાવદર, ભેસાણ, બીલખા અને જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વિધાનસભાની પેટા-ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરીથી મોકૂફ રખાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અલગથી કાર્યક્રમ જાહેર કરવાની વાત રાજ્ય ચૂંટણી આયોગ કરી છે.

શા માટે ચૂંટણી મોકૂફ રખાઈ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભામાં આવતી અને સામાન્ય કે મધ્યસત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થયેલ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણીને લઈને મોટાભાગના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા છે, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી આ સમય દરમિયાન કરવી શક્ય ન હોવાને કારણે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.
કયા કયા તાલુકામાં નહીં થાય ચૂંટણી ? ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવાને લઈને આદેશ કર્યો છે, તે મુજબ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા તાલુકા વિસાવદર, બીલખા, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કડાયા, લૂંઘીયા, સુડાવડ અને શાપર, આ ચાર ગ્રામ પંચાયતો મહેસૂલમાં અમરેલી જિલ્લા સાથે જોડાયેલી છે પરંતુ વિધાનસભામાં વિસાવદર વિધાનસભામાં મતદાન કરે છે, તે સાથે તમામ ગ્રામ પંચાયતો કે જેમાં રાજ્યના ચૂંટણી પંચે મધ્યસત્ર અથવા તો પૂર્ણ સમયની ચૂંટણીની જાહેરાત કરી છે તે તમામની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.