અમરેલી : ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલ મદરેસા ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હોવાની તંત્રને માહિતી મળી હતી. પરિણામે આ ગેરકાયદેસર બનેલા મદરેસાને આજે વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ મદરેસાના સંચાલક મહમદ ફઝલ શેખની 1લી મેના રોજ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી.
સંચાલકની તપાસ કરતાં તેના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપ જોવા મળ્યા હતા.આ મામલે આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે, મદરેસા જે જમીન પર બનાવવામાં આવ્યું છે તે ગરીબ લાભાર્થીની જમીન છે જેના પર ગેરકાયદેસર મદરેસા બનાવવામાં આવ્યું છે. પરિણામે પોલીસ દ્વારા તેને આજે તોડી પાડવામાં આવ્યું.
હિમખીમડીના મદ્રેસા પર ફરી વળ્યું બુલડોઝર: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં 1લી મે ના દિવસે ગામમાં આવેલા મદરેસાના મૌલવી મહમદ ફઝલ શેખ દ્વારા કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાને રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી. મૌલવી મૂળ અમદાવાદનો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી હિમખીમડી ગામમાં આવેલા મદરેસામાં મૌલવી તરીકે રહેતો હતો. ઉપરાંત તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપ જોવા મળ્યા હતા, જેની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલામાં મૌલવીના કનેક્શન અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી હતી. પોલીસની અટકાયતમાં રહેલા મૌલવી મહમદ ફઝલ શેખને અમદાવાદ પણ લઈ જવામાં આવ્યો હતો જ્યાં પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ધારીના પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા જે જમીન પર મદરેસા બનાવવામાં આવ્યું છે તેની તપાસ કરતા તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હોવાની વિગતો મળી હતી. આ વિગતોના આધારે પોલીસે આજે વહેલી સવારે મદરેસા પર બુલડોઝર ફેરવ્યું.
ગરીબ લાભાર્થીના જમીન પર મદરેસા: ધારીના હિમખીમડી ગામમાં ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે લેન્ડ કમિટી દ્વારા સૂચવવામાં આવેલા 100 ચોરસ વારની જમીન પર આ મદરેસા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. જે તે સમયે સરકારની નીતિ મુજબ ગરીબ વર્ગના લોકો માટે રહેણાંક મકાન બને તેને ધ્યાને રાખીને 100 ચોરસ વાર જમીન આપવામાં આવી હતી. પરંતુ જમીનના મૂળ માલિકે આ જમીન જે વ્યક્તિઓએ મદરેસા બનાવ્યું છે તેને વેચી છે અથવા તો ભાડા પટે આપી છે ત્યારબાદ આ જમીન પર મદરેસા બનાવવામાં આવ્યું હતું.

સમગ્ર મામલામાં ધારી પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ સંયુક્ત રાહે તપાસ કરી રહી છે. જે જમીન પર મદરેસા બનાવવામાં આવ્યું હતું તે સો ટકા સરકારી અને ગરીબ લોકોને રહેણાંક મકાન માટે આપવાની અનામત રાખવામાં આવી હતી, જે પોલીસ તપાસમાં ખુલતા આજે પ્રાંત અધિકારીએ મદરેસાને તોડી પાડીને ફરીથી 100 ચોરસ વારની જમીન સરકાર હસ્તક લીધી છે, અને આ જમીન અન્ય કોઈ ગરીબ વર્ગના લાભાર્થીને આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.
આ પણ વાંચો: